મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જીતની શરૂઆત થઈ ગઈ છે. પહેલી જ મેચમાં પાકિસ્તાનને 107 રનના મોટા અંતરથી પરાજય મળ્યો છે. ભારતીય ટીમ હજુ સુધી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હારી નથી. આ ચોથી જીત છે.
મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 7 વિકેટે 244 રન બનાવ્યા હતા. પૂજા વસ્ત્રાકરે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ ફિફ્ટી બનાવી હતી. પૂજાએ 59 બોલમાં 67 રનની ઇનિંગ રમી ટીમને સંભાળી હતી. સ્નેહ રાણાએ 53 અને સ્મૃતિ મંધાનાએ 52 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ 137 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી સિદ્રા અમીને સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી લેફ્ટ આર્મ સ્પિનર રાજેશ્વરી ગાયકવાડે 4 વિકેટ ઝડપી હતી. ઝુલન ગોસ્વામી અને સ્નેહ રાણાએ 2-2થી સફળતા મેળવી હતી. દીપ્તિ શર્મા અને મેઘના સિંહને એક-એક વિકેટ મળી હતી.