સુરત : જીમ બંધ કરાતાં જીમ સંચાલકોમાં રોષ, રસ્તા પર કસરત કરી નોંધાવ્યો વિરોધ

રાજયમાં લાંબા સમય બાદ ફરીથી શરૂ થયેલા જીમ તથા ફીટનેસ સેન્ટરને ફરીથી કોરોનાનું ગ્રહણ નડયું છે. સરકારે પુન: જીમ બંધ કરી દેવામાં આવતાં સુરતના જીમ સંચાલકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
ગત વર્ષે માર્ચ મહિનાથી લાગુ કરાયેલાં લોકડાઉન દરમિયાન જીમ તેમજ ફીટનેસ સેન્ટરોને બંધ કરી દેવાયાં હતાં. કોરોનાનો કહેર ઓછો થયાં બાદ જીમ તથા ફીટનેસ સેન્ટરોને કોવીડની ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે શરૂ કરવાની મંજુરી આપવામાં આવી હતી. મહિનાઓથી બંધ થયેલો ધંધો પુન: શરૂ થાય તે પહેલાં ફરી કોરોનાની એન્ટ્રી થઇ છે.
મહાનગરોમાં વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખી સરકારે મલ્ટીપ્લેકસ, જીમ અને શોપિંગ મોલ સહિતના સ્થળો બંધ કરી દેવા આદેશ કર્યો છે. મહિનાઓથી બંધ રહેલા જીમ તેમજ ફીટનેસ સેન્ટરની ગાડી માંડ પાટા પર આવે તે પહેલાં ફરીથી બંધ કરવાના આદેશથી સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. સુરત શહેરના જીમ સંચાલકો તેમની રજુઆત કરવા માટે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યાં હતાં. જયાં તેમણે રસ્તા ઉપર જ કસરત શરૂ કરી દઇ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.