Connect Gujarat
સુરત 

સુરત : "સેલ્ફી" લેવા જતાં બાળક તાપી નદીમાં પડ્યો, ફાયર ફાઇટરોએ શોધખોળ આરંભી

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ મક્કાઈ પુલ ખાતે સેલ્ફી લેવા જતાં એક બાળક તાપી નદીમાં ખાબક્યો હતો.

X

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ મક્કાઈ પુલ ખાતે સેલ્ફી લેવા જતાં એક બાળક તાપી નદીમાં ખાબક્યો હતો.બાળક પાણીમાં ગરકાવ થતાં ફાયર ફાઇટરો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, કોસાડ આવાસમાં રહેતા શાહીદ શેખ પોતાના પુત્ર જાકીર શેખ સાથે રાંદેર વિસ્તારમાં આવેલ મક્કાઈ પુલ ખાતે ફરવા આવ્યા હતા. તે દરમ્યાન 12 વર્ષીય જાકિર શેખે પિતાના મોબાઈલમાં મક્કાઈ પુલની પાળી પર બેસીને સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોતાનું સંતુલન ગુમાવતાં બાળક તાપી નદીમાં પડ્યો હતો, ત્યારે બાળકના પિતાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ રાંદેર પોલીસ સહિત ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણીમાં ડૂબેલ બાળકની ફાયર ફાઇટરો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, 3 કલાકથી વધુના સમયની શોધખોળ બાદ પણ બાળકનો પત્તો મળ્યો ન હતો, ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસે બાળકના પિતાનું નિવેદન લઈ વધુ તપાસ શરૂ કરી છે.

Next Story