માત્ર સુરત શહેર નહીં, પરંતુ પર્યાવરણના હિતને ધ્યાનમાં રાખી તમામ જગ્યાઓ પર પ્લાસ્ટિક પર 120 MM સુધીના પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવતા વેપારીઓની ચિંતા વધી છે, ત્યારે વેપારીઓ આ નિર્ણયને આવકારી તો રહ્યા છે, પરંતુ અન્ય વિકલ્પની પણ માંગ કરી રહ્યા છે.
તા. 1 જુલાઈ 2022થી પ્લાસ્ટિકના વપરાશ પર અંકુશ લાવવા માટે સરકાર દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત 120 MM સુધીના પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પર્યાવરણના હિતને ધ્યાનમાં રાખી આ નિર્ણય આવકારદાયક છે. જોકે, સરકાર દ્વારા ઓચિંતો નિર્ણય લેવામાં આવતા અનેક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સુરત શહેરની વાત કરીએ તો, સુરતમાં લારી ગલ્લા, રેસ્ટોરન્ટ, શાકભાજી માર્કેટ સહિત મોટા ભાગની જગ્યાઓ પર પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. તો બીજી તરફ પ્લાસ્ટિકની માંગને પહોંચી વળવા માટે સુરત શહેરમાં વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો રાખવામાં આવ્યો છે, ત્યારે હવે આ પ્લાસ્ટિક પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવામાં આવતા વેપારીઓની મુશ્કેલી વધી છે, તેમના દ્વારા ખરીદ કરવામાં આવેલો જથ્થો નુકશાનીનો પર્યાય બની ગયો છે. કારણ કે, પ્રતિબંધ આવતા જ હવે આ જથ્થો કોણ ખરીદશે તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. વેપારીઓ પર્યાવરણના હિતમાં સરકારના નિર્ણયને તો આવકારી રહ્યા છે, પરંતુ આ સાથે જ પ્લાસ્ટિક અને તેમના વેપારનો વિકલ્પ પણ શોધવાની માંગ કરી રહ્યા છે.