Connect Gujarat
સુરત 

સુરત : માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા, 30 દિવસના જામીન સાથે હાઇકોર્ટમાં જશે...

કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ 'મોદી' અટક ધરાવતી વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

X

સુરતની કોર્ટમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ 'મોદી' અટક ધરાવતી વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આજે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી છે. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માંગતા 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. હવે, રાહુલ ગાંધી આ કેસ લઈને હાઇકોર્ટમાં જશે તેવું પણ જાણવા મળ્યું છે.

કર્ણાટકના કોલાર ગામમાં ગત તા. 13 એપ્રિલ 2019ના રોજ સાંસદ અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, ત્યારે આજે સુરતની અદાલતે માનહાનિમાં કેસમાં ચુકાદો આપ્યો હતો. રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા, જ્યાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી કલમ 499 અને 500 મુજબ 2 વર્ષની સજા સંભળાવી 15 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. જોકે, રાહુલ ગાંધીના વકીલે રાહુલ વતી આ કેસમાં જામીન માગતાં અદાલત દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. ચુકાદા બાદ રાહુલ ગાંધી સુરત કોર્ટમાંથી નીકળીને સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી આગેવાનો સાથે ચર્ચા કરી હતી.

કર્ણાટકમાં રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં તે જ ઘરના મોદી અટક ધરાવતા સમાજમાં રોષ વ્યાપ્યો હતો. સુરતના ધારાસભ્ય અને મોદી અટક પર થયેલી ટિપ્પણીને લઈને કોર્ટમાં કેસ કરનાર પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધીએ આપેલા નિવેદન અંગે અમે કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસમાં નામદાર કોર્ટે અમારી ફરિયાદ ગ્રાહ્ય રાખી હતી અને આજે કોર્ટે જે ચુકાદો આપ્યો છે એને હું આવકારું છું.

તો બીજી તરફ, બચાવ પક્ષના વકીલે રાહુલ ગાંધી દોષિત જાહેર થતાં જણાવ્યુ હતું કે, અમે આ કેસને લઈને હાઇકોર્ટમાં જઈશું. જોકે, અમને પૂર્ણ વિશ્વાસ છે કે, હાઈકોર્ટમાંથી અમને અલગ ચુકાદો મળશે. રાહુલ ગાંધી 499 અને 500 મુજબ દોષિત જાહેર થયા છે. આમાં લાંબી સજાની જોગવાઈ નથી. જામીન મળી ગયા છે. જેમાં નૈષધ દેસાઈ અને હસમુખ દેસાઈ રાહુલ ગાંધીના જામીનદાર બન્યા છે.

Next Story