અમદાવાદ શહેરના કાંકરીયા ખાતે AMC દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જિંગ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે. જોકે, અહીં ચાર્જિંગ સ્ટેશન બંધ હાલતમાં હોવાથી કોઈપણ વાહન ચાર્જ થઈ શકતા નથી. જેના કારણે હાલ આ ચાર્જિંગ સ્ટેશન માત્ર ધૂળ ખાઈ રહ્યું છે.
એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં જાગૃત નાગરિકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. તો બીજી તરફ સરકાર દ્વારા પોલ્યુશન ફ્રી સીટી બનાવવાની વાત કરવામાં આવી રહી છે. તેવામાં લોકો ઇલેક્ટ્રીક વાહન વધુ ખરીદે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડી ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગ માટે ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાય રહ્યા છે, ત્યારે અમદાવાદના કાંકરીયા ખાતે 1 વર્ષ અગાઉ AMC દ્વારા ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું હતું. પરંતુ તેની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ ચાર્જિંગ સ્ટેશન પર એક પણ વ્હીકલ ચાર્જ થતું નથી. જેથી ચાર્જિંગ સ્ટેશન પર માત્ર ઘૂળ અને બાવા બાજી ગયેલા જોવા મળે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર્યાવરણ બચવા માટે ઇલેક્ટ્રિક વહાનોને વધુ પ્રાધન્ય આપે છે. પરંતુ જો ચાર્જિંગ સ્ટેશનના જ ખસતા હાલ હશે તો વાહન ખરીદીને ચાર્જિંગ કરવા જનતા ક્યાં જશે તેવો પણ લોકોના મનમાં પ્રશ્ન ઉદ્દભવ્યો છે. પ્રજાના પૈસે તંત્ર દ્વારા નવી યોજનાઓ સાથે વિવિધ પ્રોજેક્ટ તો શરૂ કરાય છે. પરંતુ જ્યારે અમલીકરણની વાત આવે, ત્યારે તંત્રની ઘોર લાપરવાહી સ્પષ્ટ થાય છે.