અમદાવાદ શહેરમાં વિકાસ તો કરવામાં આવે છે. પરંતુ યોગ્ય માવજત ન થતા તેની સ્થિતિ ખરાબ જોવા મળી આવે છે. આવી જ સ્થિતિ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોની છે. અમદાવાદમાં લાખો-કરોડોના ખર્ચ બનાવવામાં આવેલા તળાવોની યોગ્ય સાફ-સફાઈ ન થતાં તે તળાવોની હાલત ખૂબ જ ગંભીર બની છે, ત્યારે હવે આ તમામ તળાવોને રીનોવેશન કરી યોગ્ય માવજત કરવામાં આવશે.
ભારતના ગૃહમંત્રી અમિત શાહના શહેરમાં આવેલા તળાવોમાં બ્યુટિફિકેશન અને સાફ-સફાઇ માટેની સૂચના આપી દેવામાં આવી છે. અમદાવાદ સાતેય ઝોનના તળાવની સાફ-સફાઈ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જેમાં અંદાજે 3.60 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવી શકે છે. જેમાં અસારવા તળાવ, સૈજપુર તળાવ, હંસપુરા તળાવ, મલાવ તળાવ, ચેનપુર તળાવ, ઓઢવ તળાવ, નિકોલ તળાવ, ઔડા તળાવ અને વસ્ત્રાલ તળાવ જેવા શહેરના વિવિધ તળાવમાં સાફ-સફાઈ હાથ ધરાશે.
દક્ષિણ ઝોનમાં 6 તળાવ પાછળ રૂ. 1 કરોડ ચંડોળા તળાવ પાછળ રૂ. 24 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષના 2 વખત તળાવની સાફ-સફાઈ કરવાની રહેશે. સાથે સાથે તળાવમાં કચરો ભેગો ન થાય તેની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. તેથી દરરોજ તળાવની સાફ-સફાઇ કરવી જરૂરી બનશે. જોકે, હાલ જુની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારના તળાવમાં કચરો, લીલ, વેલ, ઘાસ અને તળાવના ઢાળ પર બિનજરૂરી વેજિટેશન જોવા મળ્યું હતું.