કેન્દ્ર સરકારની નવી હેલી નીતિની જાહેરાત અમદાવાદ ગાંધીનગર વચ્ચે શરૂ થશે હેલિકોપ્ટર સેવા

New Update

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉત્તરાખંડથી દેશની નવી હેલી નીતિની જાહેરાત કરી છે. દેશમાં હેલી સેવા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નીતિમાં 10 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કર્યું છે. ઇમરજન્સી હેલીકૉપ્ટર ચિકિત્સા સેવા માટે દેશમાં 3 એક્સપ્રેસ-વે વિકસિત કરવામાં આવશે. આ સિવાય 4 શહેરોમાં હેલી હબ બનાવવામાં આવશે. એર ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે વિમાન અને હેલી સેવાઓ માટે અલગ-અલગ રૂટ નક્કી કરાશે. દેશમાં ક્યારેય પણ હેલી સેવાઓ પર લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જ નહીં લગાવવામાં આવે. સિંધિયાએ ગુજરાતના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની વાતો થતી રહી છે.

તેવામાં હવે કેન્દ્ર સરકારે શુક્રવારે હેલી નીતિની જાહેરાત કરી છે. શુક્રવારે કેન્દ્રીય મંત્રી સિંધિયા જૌલીગ્રાંડ એરપોર્ટ પર નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ કૉમર્સ, ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ ઓથોરિટીના સહયોગથી ત્રીજા હેલી સંમેલનમાં નવી હેલી નીતિની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, હેલી ઉદ્યોગને સમર્થન આપવા માટે સરકારે નવી નીતિ બનાવી છે. હાલ દેશમાં માત્ર 190 હેલીકૉપ્ટર સંચાલિત છે. નવી નીતિમાં ઇમરજન્સી હેલીકૉપ્ટર મેડિકલ સેવા માટે દિલ્હી-મુંબઈ, અંબાલા-કોટપુલી, અંબાલા-ભટિંડા-જામનગર વચ્ચે એક્સપ્રેસ-વે વિકસિત કરવામાં આવશે.