ભરૂચ : ઔદ્યોગિક પ્રદુષણથી ખેત પાકના નુકશાનને અટકાવવા વાગરાના ધારાસભ્યનાએ સરકારમાં કરી રજુઆત

"ઉદ્યોગપતિઓ ની સરકાર" ઉધોગો ના કાન આમળશે કે ઉદ્યોગો ને છાવરશે..........??????

Update: 2021-08-06 06:25 GMT

વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા ભરૂચ જિલ્લાના ખેડૂતોના પાકને ઔધોગિક એકમો દ્વારા છોડાતાં દુષિત હવા-પાણીથી થતા નુકશાન સામે જીપીસીબી દ્વારા તપાસ કરાવી જવાબદાર ઔધોગિક એકમો સામે શિક્ષાત્મક પગલા લેવા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ધારદાર રજૂઆત કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કૂદકેને ભૂસકે વધી રહેલા ઉદ્યોગો જિલ્લામાં વિકાસને ચોક્કસ વેગવંતુ બનાવશે. પરંતુ ઉદ્યોગોની સ્થાપના સાથે જ ઝેરી પ્રદુષણથી આસપાસના લોકોની ખેતી અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચી રહી છે. ત્યારે પંથકના લોકો દ્વારા છાશવારે ઉચ્ચ કક્ષાએ સંભવિત વિભાગોમાં પ્રદુષણ અટકાવવા અનેક વખત રજૂઆતો કરવા છતાંય પરિણામ શૂન્ય રહેતા આખરે વાગરાના ધારાસભ્ય જગતના તાતની વ્હારે આવ્યા છે.

વાગરાના ધારાસભ્યએ ગુજરાતના નાથને પાઠવેલ પત્રમાં જણાવાયુ છે કે ઝેરી પ્રદુષણ અને પ્રદુષિત હવા ફેલાવતી કંપનીઓ થકી ભરૂચ જિલ્લાના ખેડૂતોના ઉભા પાકને તેમજ પર્યાવરણને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યુ છે તેને તાકીદે અટકાવવા માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ભરૂચ, વાગરા, આમોદ, જબુંસર તેમજ અંકલેશ્વર અને ઝઘડીયા તાલુકામાં ખેડૂતો કપાસ, કઠોળ, શાકભાજી તથા બાગાયતી પાકોની મોટાપાયે ખેતી કરે છે. ત્યારે જિલ્લામાં આવેલ અનેક ઉદ્યોગો દ્વારા ઝેરી રસાયણ અને ઝેરી દવા છોડવામાં આવે છે. આ ઝેરી દવા તેમજ ઝેરી રસાયણ અને કેમિકલયુક્ત પાણીથી જિલ્લાના અનેક ખેડૂતોની લાખો હેકટર જમીનમાં અલગ અલગ ખેતીના પાકોને તેમજ ઝાડ તથા પર્યાવરણને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચે છે.


વધુમાં મનુષ્યના સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે. જેથી ભરૂચ જિલ્લાના ખેડૂત વર્ગને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જી.પી.સી.બી.ને વખતો વખત રજૂઆતો કરવા છતાંય કોઈ જ પગલા લેવાતા નથી. જેને પગલે જિલ્લાના ખેડૂત આલમમાં ઉદ્યોગકારો વિરુદ્ધ ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. ખેડૂતોમાં વધી રહેલ અસંતોષની જ્વાળા જગતના તાતને આંદોલનને માર્ગે લઇ જાય તેવા ભણકારા વાગી રહયા હોવાથી ઝેરી પ્રદુષણ ઓકતા ઔદ્યોગિક એકમો વિરુદ્ધ તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે. પ્રદુષણ ફેલાવનાર કંપની ઓ સામે વહેલી તકે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરીને ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું ઝેરી રસાયણ, પ્રદુષિત પાણી અને દૂષિત હવા તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે.

ભરૂચ જિલ્લાના ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરતો પત્ર વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા પર્યાવરણ મંત્રી જયદ્રથ સિંહ પરમાર અને ભરૂચ જિલ્લા કલેકટર ઉપરાંત પ્રાદેશિક કચેરી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પાઠવવામાં આવ્યો છે. જોવું રહ્યું કે સત્તાધારી પક્ષના ધારાસભ્યની રજુઆત પ્રત્યે સરકાર કેવુ વલણ દાખવે છે.? કે પછી વિરોધ પક્ષ દ્વારા વહેતુ કરાયેલુ સૂત્ર "ઉદ્યોગકારોની સરકાર" સાચું ઠરશે.? તેનો જવાબ તો સત્તામાં બિરાજમાન સરકાર જ આપી શકે છે.

Tags:    

Similar News