Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ સોનેરી મહેલથી મેઘરાજા શાહી ઠાઠમાઠ સાથે નગરચર્યાએ નીકળ્યા

ભરૂચઃ સોનેરી મહેલથી મેઘરાજા શાહી ઠાઠમાઠ સાથે નગરચર્યાએ નીકળ્યા
X

છડીના દર્શન માટે લોકો મકાનની છત ઉપર અને ગેલેરીમાં ગોઠવાઈ ગયા

ભરુચ શહેરમાં છેલ્લા 250 વર્ષથી ભોઈ સમાજ દ્વારા મેઘરાજાના મેળાનો ઉત્સવ ઉજવાય છે. ત્યારે આજરોજ પરંપરાગત રીતે સોનેરી મહેલથી મેઘરાજાની શોભાયાત્રા નીકળી હતી. મેઘ મેળાની પૂર્ણાહુતીના ભાગરૂપે નગરના માર્ગો ઉપર નીકળેલી મેઘરાજાની યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. તો મેઘરાજાના દર્શન માટે છેલ્લા દિવસે શ્રધ્ધાળુઓની પડાપડી તઈ હતી. તો છડી ઉત્સવને લઈ છડીના દર્શન માટે લોકોએ ઘરોનાં છાપરા અને લોબીમાં ઉભા રહી ભીડ જમાવી હતી.

ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા નર્મદા નદીમાંથી માટી લાવી મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. તેની પૂજા અર્ચના સાથે મેઘ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. બાદમાં શ્રાવણ વદ દશમ એટલે કે આજે મેઘરાજા ઉત્સવનો છેલ્લો દિવસ હોય સોનેરી મહેલ ખાતેથી મેઘરાજાની પ્રતિમાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મેઘરાજાની શાહી સવારી ભજન મંડળીઓ અને ડીજેના તાલે નિકળતાં જ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

પોતાનું બાળક નિરોગી બને અને સ્વસ્થ રહે તે માટે શ્રદ્ધાળુઓ પોતાના બાળકને મેઘરાજાની પ્રતિમા સાથે ભેટાવી રહ્યા છે. તો સોનેરી મહેલથી મેઘરાજાની શાહી સવારી નીકળી પાંચબત્તી, સ્ટેશન રોડ થઈ મોડી સાંજે રોકડીયા હનુમાન જવાના રસ્તે પહોંચશે. જયાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીમાં પ્રતિમાનું શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવશે. મેઘ અને છડી ઉત્સવની પૂર્ણાહુતિ સાથે મોડી રાત્રે મેળો પણ પૂર્ણ થઈ જશે.

Next Story