Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઇલાવ ગામે ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી દેવાતાં ખેડુતની તંત્રને ફરિયાદ

ખેતરમાં જવાનો રસ્તો સાહોલ ગામની સર્વે નંબર 50માંથી પસાર થાય છે. તેઓ વર્ષોથી ખેતરમાં જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે

ભરૂચ : ઇલાવ ગામે ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી દેવાતાં ખેડુતની તંત્રને ફરિયાદ
X

ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી દેવાતાં એક ખેડુતે અન્ય ખેડુત વિરૂધ્ધ મામલતદારને રજુઆત કરી છે. હાંસોટના ઇલાવ ગામમાં રહેતાં ધનેશ અંબાલાલ પટેલે મામલતદારને આપેલી અરજીમાં જણાવ્યાં મુજબ તેઓ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમનું ખેતર સુણેવખુર્દ ગામની સર્વે નંબર 797 અને 798માં આવેલું છે.


તેમના ખેતરમાં જવાનો રસ્તો સાહોલ ગામની સર્વે નંબર 50માંથી પસાર થાય છે. તેઓ વર્ષોથી ખેતરમાં જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે પણ છેલ્લા એક સપ્તાહથી ઇશ્વર મગનભાઇ પટેલ નામના ખેડુતે આ રસ્તો બંધ કરી દીધો છે તથા સિંચાઇના પાણી માટે બનાવેલી ફીલ્ડ ચેનલ પણ પુરી દેવામાં આવી છે. તેમના ખેતરમાં જવાના રસ્તા પર વર્ષો જુના વૃક્ષોનું છેદન કરી આડાશ મુકી દેવામાં આવી હોવાથી તેઓ એક સપ્તાહથી ખેતરમાં જઇ શકતાં નથી. તેમના ખેતરમાં શેરડીનું વાવેતર કરેલું છે પણ રસ્તો તથા ફીલ્ડ ચેનલ બંધ થઇ જતાં પાક સામે ખતરો ઉભો થયો છે. જો આ પાક નિષ્ફળ જશે તો આખા પરિવારનું ગુજરાન ચલાવવાનું બંધ થઇ જશે તેવો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે. આ બાબતે મામલતદાર કચેરી તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી અરજદાર ખેડુત ધનેશ પટેલે કરી છે.

Next Story