અંકલેશ્વર અને હાંસોટમાં છેલ્લા 3 દિવસમાં પેટ્રોલ પંપના કર્મચારીને વાતોમાં ભેરવી નાના દરની ચલણી નોટના બદલામાં મોટા દરની ચલણી નોટ આપવાના બહાને છેતરપિંડીના બનાવ બન્યા હતા. આ અંગે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના સમયમાં જ ભેજાબાજને ઝડપી પાડ્યો હતો. હાસોટ પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેકટર કે.એમ.ચૌધરી અને મહેશભાઈ,કાંતિભાઈ અને જિગ્નેશ ભાઈ સહિતના પોલીસકર્મીઓએ આ મામલામાં સુરતના હોડી બંગલા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય અહેમદ તૈલીની ધરપકડ કરી છે.
આરોપી અંકલેશ્વર અને હાંસોટમાં ગુનાને અંજામ આપ્યા બાદ ગિરિમથક સાપુતારા ફરાર થઈ ગયો હતો. હાંસોટ પોલીસે હ્યુમન ઇનટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે સાપુતારાથી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીની પૂછતાછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીએ દક્ષિણ ગુજરાતના વિવિધ જીલ્લામાં આ પ્રકારના કુલ 14 ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ સહિત રૂપિયા 60 હજારનો મુદ્દામલ જપ્ત કર્યો છે. આરોપી વિવિધ પેટ્રોલ પંપ,ગેસ પંપ અને સ્ટોરમાં જઇ નાના દરની ચલણી નોટ બદલીને મોટા દરની ચલણી નોટ આપવાના બહાને રૂપિયા પડાવી ફરાર થઈ જતો હતો.