Connect Gujarat
ગુજરાત

ભરૂચ : આમોદ ગામે સાંકડા રોડ-સાઈન બોર્ડના અભાવે અકસ્માતોની વણઝાર યથાવત

ભરૂચ આમોદ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬૪ ઉપર હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીના કારણે સાંકડા બનેલા રોડ અને સાઈન બોર્ડના અભાવે અકસ્માતોની વણઝાર

ભરૂચ : આમોદ ગામે સાંકડા રોડ-સાઈન બોર્ડના અભાવે અકસ્માતોની વણઝાર યથાવત
X

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આવેલા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬૪ ઉપર હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીના કારણે સાંકડા બનેલા રોડ અને સાઈન બોર્ડના અભાવે અકસ્માતોની વણઝાર યથાવત રહેતા રાહદારી સહિત અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નગર પાસેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર મલ્લા તળાવથી બત્રીસી નાળા સુધી રોડનું કામ, રોડની સાઇડ પર ગટરનું કામ, ડિવાઈડરનું કામ તથા સર્વિસ રોડનું કામ કરવા માટે કરોડો રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ હતું. જેનો વર્ક ઓર્ડર પણ સુરતની એજન્સીને આપવામાં આવ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા એસ્ટીમેન્ટમાં જણાવ્યા અનુસાર, કામ ન કરી નકશા વિરુધ્ધ કામ કરવામાં આવ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનો રોડ પણ સાંકડો બનાવી દેવામાં આવ્યો હતો. જેથી આમોદ પાસે ડિવાઈડર ઉપર વારંવાર વાહનો ચઢી જવાના બનાવો બનતા રહે છે.

આમોદમાં બેન્ક ઓફ બરોડા સામે આવેલા હાઇ-વે ડિવાઈડર ઉપર ગતરોજ રાત્રીના સમયે ભાવનગરથી દહેજ તરફ તેલના ડબ્બા અને અનાજ ભરીને જતું એક વાહન આ જ ડિવાઈડર ઉપર ચઢી ગયું હતું. જેના કારણે આ વાહનને ભારે નુકશાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ નહોતી. પરંતુ વાહનચાલકે હાઇવે ઓથોરિટી સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ અગાઉ પણ આજ હાઇવે ઓથોરિટીના રોડ ઉપર સાંકડા બનેલા રોડના કારણે ડિવાઈડર ઉપર અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. છતાં હાઇવે ઓથોરિટીના અધિકારીઓ કોન્ટ્રાકટર સામે કોઈ કાર્યવાહી કરતા નથી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ વાહનચાલકો માટે સંકટરૂપ બન્યો છે, ત્યારે આ બાબતે આમોદના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચ તેમજ ગાંધીનગર સુધી હાઇવે ઓથોરિટીને લેખિત ફરિયાદ કરી કોન્ટ્રાકટર વિરુદ્ધ કડક પગલાં લેવા માંગણી કરવામાં આવી છે.

Next Story