ભરૂચ : દહેજની કંપનીમાં એક મહિલા કામદારનું અકસ્માતે મોત, 2 લોકોને ગંભીર ઇજા

ભરૂચ જિલ્લાના દહેજ પંથકની એક કંપનીમાં અકસ્માત સર્જાતા એક મહિલા કામદારનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ, જ્યારે અન્ય 2 કામદારોને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે દહેજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
દહેજ પંથક ઉદ્યોગ નગરીથી સુવિખ્યાત બન્યો છે. જેને પગલે ઉદ્યોગ નગરીમાં હજારો કામદારો રોજીરોટી મેળવી રહ્યા છે. પરંતુ આ સાથે ઉદ્યોગોમાં અકસ્માતોના વધતાં બનાવોના કારણે કામદારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે શનિવારના રોજ બાયોસ્કેપ કંપનીમાં અકસ્માતની ઘટના સર્જાતા કર્મીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. બાયોસ્કેપ કંપનીમાં 3 કામદારો કલર બનાવવાના મશીન નજીક કામ કરી રહ્યા હતા.
જેમાં કોઈ કારણસર ઉંચાઈ પરથી નીચે કામ કરતા મજૂરો પર રોલર પડતા ત્રણેય કામદારો કલર બનાવાના મશીન પરથી નીચે જમીન પર પટકાયા હતા, ત્યારે ગંભીર ઇજાના પગલે 3 કામદાર પૈકી એક 25 વર્ષીય મહિલા કામદાર હરજાના મનીષ પારગીલનું ઘટના સ્થળે પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ, જ્યારે અન્ય એક 19 વર્ષીય મહિલા કામદાર ભડી અજયભાઈ મેળા સહિત એક ઈસમને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવની જાણ થતાં જ દહેજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. તો સાથે જ બનાવના પગલે કંપની સત્તાધીશોએ પણ ઢાંક પીછોડાનો પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.