સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના દેવસર ગામે સમી સાંજે તેમજ દિવસે દિપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. એમાય ચોટીલાના ઠાંગા વિસ્તારની સીમમાં અવારનવાર દિપડો દેખાતો હોવાથી આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોટીલા તાલુકાના દેવસર ગામમા કોઈ ખેતરનાં ગેટની દિવાલ ઉપર દિપડો બેઠો હોવાની ગામના લોકોને જાણ થતા જ દિપડાને જોવા માટે લોકો દોડી ગયા હતા. ત્યારે દિવાલ ઉપર ચડીને દિપડો બિન્દાસ બેઠો જોવા મળ્યો હતો. ત્યારે દિપડો દિવાલ પર બેઠો હતો અને એક જગ્યાએ આંટા ફેરા ફરી રહ્યો હોય તેવો કોઈ ગામના લોકોએ પોતાના મોબાઈલમા લાઇવ વિડીઓ ઉતારીને વાયરલ કર્યો હતો.
ત્યારે દિપડો ગામમા તેમજ સીમમાં આંટા ફેરા કરતો હોવાથી ગામના લોકોમાં ભયની સાથે ફફડાટ વ્યાપી ગયો હતો. તેમજ ખેડૂતો ખેતરમાં જતા ડરતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે દેવસર ગામના લોકોએ ફોરેસ્ટ વિભાગને પાંજરૂ ગોઠવી દિપડાને પકડી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે ચોટીલા તાલુકાના ઠાંગા વિસ્તારના ખરેડી, કાળાસર, ઝીંઝુડા, પીપળીયા અને શિરોડા જેવા અનેક ગામોની સીમમાં દિપડાની દહેશત અવારનવાર જોવા અને સાંભળવા મળે છે.
તાજેતરમાં એક દિપડાનું બચ્ચુ માતાથી વિખુટું પડ્યા બાદ કેટલાક યુવાનોએ આ બચ્ચા સાથેનો વિડીયો વાયરલ કર્યા બાદ દિપડાના બચ્ચાને નિર્જન જગ્યામાં છોડી દીધા બાદ બચ્ચુ મરી જતા ફોરેસ્ટ વિભાગે આ નવયુવાનોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને ચોટીલા પંથકમાં અગાઉ સિંહ પણ જોવા મળતા વનવિભાગ દોડતું થયું હતુ.