જય જગન્નાથ : રથયાત્રાને ગુજરાત સરકારની મંજૂરી, કોરોના પ્રોટોકોલ સાથે નીકળશે રથયાત્રા
અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રાને મંજૂરી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી જાહેરાત

અમદાવાદમાં રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે. આ અંગે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. પ્રદિપસિંહે જણાવ્યું કે, સમગ્ર રૂટ પર કર્ફ્યૂના અમલ સાથે રથયાત્રા યોજવામાં આવશે. તેમજ પ્રસાદ પણ આપવામાં આવશે નહીં. તમામ ભક્તોએ ઓનલાઈન દર્શન કરવા પડશે. પૂર્વ અને પશ્ચિમને જોડતા તમામ બ્રિજ રથયાત્રા સવારે નીકળી અને પરત નહિ આવે ત્યાં સુધી બંધ રહેશે.
રથયાત્રાને પગલે ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભગવાનના મોસાળ સરસપુર ખાતે પણ આજથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રાના રૂટ પર તમામ દુકાનો અને પોળની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. રથયાત્રામાં માત્ર 5 વાહનો જ ઉપસ્થિત રહેશે. ખલાસીઓનો 48 કલાક પહેલા RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ. જ્યારે જેને પણ વેક્સિનના બે ડોઝ લીધા હશે તે ખલાસીઓને અગ્રીમતા આપશે. એક ડોઝ લેવો ફરજિયાત છે.