Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : કેશોદના નાની ઘંસારી ગામે અખાત્રીજ નિમિત્તે ખેડૂતોએ સારી ઉપજ માટે કર્યું ભૂમિપૂજન...

આજના દિવસથી કળયુગનો પ્રારંભ થયો હતો. આ દિવસથી ૠતુ પરિવર્તન થાય છે, તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે

X

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે ખેડૂતોએ અખાત્રીજના દિવસે પોતાના ખેત ઓજારોનું પૂજન કરવા સાથે ખેતીવાડીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને ભૂમિપૂજન કર્યુ હતું. અક્ષય તૃતીય એટલે અખાત્રીજની એક માન્યતા અનુસાર આજના દિવસથી કળયુગનો પ્રારંભ થયો હતો. આ દિવસથી ૠતુ પરિવર્તન થાય છે, તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે. આ દિવસે ખેડૂતો પોતાના ખેત ઓજારોનું પૂજન કરે છે. સાથે સાથે ખેતીવાડી સારા થાય તેવા ભાવથી અન્નની પૂજા પણ કરે છે, જેથી કરીને ઉન્નત અને ઉત્કર્ષ ભાવના પ્રકટ થાય છે.

વૈશાખ શુક્લ ત્રીજ મંગલ અને અક્ષય ફળ આપનાર હોવાથી આ દિવસને અક્ષય તૃતીયા અથવા અખાત્રીજ કહે છે. આ દિવસે ત્રેતાયુગમાં ૠષિ જમદગ્નિ અને માતા રેણુકાને ત્યાં પરશુ ધારણ કરનાર અને ભગવાન વિષ્ણુનો ષષ્ઠંમ અવતાર ગણાતા ભગવાન પરશુરામનો પ્રાદુર્ભાવ થયો હોવાથી આ દિવસને પરશુરામ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અખાત્રીજના દિવસથી સમસ્ત માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે સ્વાધ્યાય પરિવાર દ્વારા ભૂમિપૂજન યોજાયું હતું. જેમાં ખેડૂત દંપતીઓએ ભગવદ્ ગીતા‌ અને શ્લોક સાથે‌ ભૂમિપૂજન ખેત ઓજારોના પૂજન સહિત અન્નની પુજા કરી હતી. આધુનિક જમાના સાથે ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા ખેતીનો પ્રારંભ કરી શુકન‌ કર્યા હતા.

Next Story