ખેડા : મહુધા તાલુકામાં વેક્સિનેશનના મહા અભિયાનનો શુભારંભ

100% રસીકરણ ઉપર ભાર મૂકતાં સાંસદ દેવુસિંહ ચૌહાણ.

New Update

દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની પ્રેરણાથી બધાને વેક્સિન, મફત વેક્સિન પરિકલ્‍પનાને સાર્થક કરવાના હેતુ સાથે ગુજરાત સરકારે તા. 21મી જૂન 2021ને વિશ્ર્વ યોગ દિવસથી વેક્સિનેશન માટે મહા અભિયાન શરૂ કરાયું છે. તેના અનુસંધાને ખેડા જિલ્‍લના મહુધા તાલુકાના મહુધા ગામે સાંસદ દેવુસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્‍થિતિમાં આ મહા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો.

આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણએ જણાવ્‍યું હતું કે, સમગ્ર ગુજરાતના 33 જિલ્‍લા અને 8 મહાનગરપાલિકામાં વેક્સિનેશનના મહા અભિયાનની કામગીરી શરૂ થઇ ગઇ છે. રાજ્યમાં કુલ 5000 વેક્સિનેશન સેન્‍ટર પરથી લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવશે. ખેડા જિલ્‍લામાં કુલ 150 વેક્સિનેશન સેન્‍ટર પરથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવનાર છે, ત્યારે કોવિડ-19ની ત્રીજી લહેર આવે એ પહેલા સૌ રસીકરણ કરાવીને કોરોના સામે સુરક્ષિત થાય તે ઇચ્છનીય હોવાથી મહુધા તાલુકામાં અને ખેડા જિલ્‍લામાં 100 ટકા રસીકરણ થાય તેની ઉપર સાંસદ દ્વારા વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા સૌને રસીકરણ કરાવવા અપીલ કરવામાં આવી હતી. તો સાથે જ વેક્સિનેશનના મહા અભિયાનના પ્રારંભ પ્રસંગે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં મહુધા તાલુકા પંચાયત પ્રમુખ અમીત પટેલ, મોન્‍ટુભાઇ, ર્ડા. હંસરાજભાઇ, પ્રવિણ શર્મા, મામલતદાર ર્ડા. દિપલબેન, તાલુકા વિકાસ અધિકારી જનુકા કોટડીયા, તાલુકા હેલ્‍થ ઓફિસર ર્ડા. ધ્રુમીલભાઇ સહિત આરોગ્‍ય શાખાના અધિકારીઓ/કર્મચારીઓ, શહેર અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં રસીકરણ માટે આવેલા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.