હાલના સમયે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો અનિવાર્ય
લોકોમાં વૃક્ષારોપણ પ્રત્યે વધુ જાગૃતિ આવે તેવો સુંદર હેતુ
જિલ્લાને હરિયાળો બનાવવા હિંમતનગર વન વિભાગ સજ્જ
ધાણધા-રાયગઢ નર્સરી ખાતે 6 લાખ રોપાઓનો ઉછેર કરાયો
વિવિધ રોપાઓનું નગરજનોને વિતરણ પણ કરવામાં આવ્યું
પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો અનિવાર્ય બન્યા છે, ત્યારે લોકોમાં વૃક્ષારોપણ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે હેતુથી સાબરકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા હિંમતનગરની ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખ જેટલા રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. આ વૃક્ષોના વિતરણ માટે તંત્રએ વૃક્ષરથની શરૂઆત કરી છે. સાબરકાંઠાને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સામાજિક, શૈક્ષણિક તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા લોકજાગૃતિ માટે પ્રયત્નના પરીણામ સ્વરૂપે લોકોમાં વૃક્ષારોપણ માટે ખાસ જાગૃતિ જોવા મળી રહી છે. વન વિભાગ જિલ્લાના દરેક ગામે ગામ જઈ વ્યક્તિદિઠ એક વૃક્ષ રોપાવા કટિબંધ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ યોગ દિનની ઉજવણી પ્રસંગે પણ વન વિભાગ દ્વારા યોગાભ્યાસુઓને રોપા વિતરણ કરાયા હતા. આ સિઝનમાં અત્યાર સુધીમાં આ 2 નર્સરી દ્વારા 33 હજાર રોપા વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા, જ્યારે 11,500થી વધુ રોપા રૂ. 1 લાખના ખર્ચથી વીતરણ કરાયા છે. આ રોપાઓમાં નીલગીરી, લીમડા, અરડુસા, આસોપાલવ, ગુલમહોર, સરગવો, વડલો જેવા વૃક્ષોની સાથે સાથે ફળાઉ વૃક્ષ જેવા કે દાડમ, જામફળ, જાંબુ, આંબા, આંબળા, લીંબુ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે જ નગોર, તુલસી, અરડુસી વગેરે જેવા ઔષધીય રોપાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.