વર્ષ 2022માં ભારતમાં મોટા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત રાજ્ય આખા દેશની રાજનીતિ પર અસર નાંખે છે. જોકે ગુજરાતમાં વર્ષનાં અંતે ચૂંટણી આવશે જ્યારે પંજાબ, ઉત્તરાખંડ અને યુપી સહિતનાં પાંચ રાજ્યોમાં વર્ષની શરૂઆતમાં જ ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીનાં મિશન મોડમાં આવી ગઈ છે.
ભારતીય જનતા પાર્ટીએ પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે જવાબદારીની સોંપણી કરી દેવામાં આવી છે. જેમા સૌથી મોટું નામ ધર્મેન્દ્ર પ્રધાનનું સામે આવી રહ્યું છે જેમને ઉત્તર પ્રદેશની જવાબદારી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ઉત્તર પ્રદેશનો પ્રભારી બનાવવામાં આવ્યા છે જ્યારે અનુરાગ ઠાકુર તેમની સાથે સહપ્રભારીનાં રૂપે કામ કરશે. જ્યારે ઉત્તરાખંડની જવાબદારી પ્રહલાદ જોશીને આપવામાં આવી છે.
પંજાબમાં કોંગ્રેસની અંદર મોટો વિવાદ ચાલી રહ્યો છે અને એવામાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ખાસ રણનીતિ બનાવવા માટે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંઘ શેખાવતને જવાબદારી આપવામાં આવી છે. તેમની સાથે હરદીપ પૂરી, મીનાક્ષી લેખી અને વિનોદ ચાવડા કામ કરશે. અન્ય બે રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રનાં દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસને ગોવા જ્યારે ભૂપેન્દ્ર યાદવને મણિપુર સોંપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ગઇકાલે જ સમાચાર સામે આવ્યા હતા કે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પીએમ મોદી એક્શનમાં આવ્યા છે અને તેમણે મંત્રાલયોને આદેશ આપ્યા હતા કે વિવિધ યોજનાઓના બાકી કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે.