Connect Gujarat
સુરત 

સુરત : માંગરોળના સુપ્રસિદ્ધ જલેબી હનુમાન મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસોમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર...

માંગરોળ ખાતે આવેલ સુપ્રસિદ્ધ જલેબીવાળા હનુમાન દાદાના મંદિરે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી

X

સુરત જિલ્લાના માંગરોળ ગામની સીમમાં આવેલ સુપ્રસિદ્ધ જલેબીવાળા હનુમાન દાદાના મંદિરે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અહી ભક્તો દાદાને જલેબીનો પ્રસાદ ધરાવી પોતાની મનોકામના માંગતા હોય છે, જે જલેબીવાળા હનુમાન દાદા પૂર્ણ કરતાં હોવાની માન્યતા રહેલી છે.

હાલ પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે શનિવારે અને રવિવારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ જલેબીવાળા હનુમાન દાદાના મંદિરે સવારથી જ દાદાના દર્શનાર્થે લોકોના ટોળા જોવા મળ્યા હતા. જલેબી હનુમાન દાદાના દર્શન અને પોતાની મનોકામના પૂર્ણ કરવા દૂર દૂરથી લોકો અહી આવે છે. આ મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે, જેથી જલેબીવાળા હનુમાન દાદાનું મંદિર ખૂબ પ્રસિદ્ધ મંદિર છે. ગાયકવાડ શાસનમાં માંગરોળ ગામને વાંધરી-માંગરોળથી ઓળખાતું હતું. જેથી ગામ ખૂબ પ્રખ્યાત હતું. જે ગામ હાલ મોટા મિયા માંગરોળ તરીકે ઓળખાય છે. પરંતુ હવે જલેબી હનુમાન તરીકે પણ આ ગામને લોકો ઓળખાવા લાગ્યા છે. કહેવાય છે કે, માંગરોળ ખાતે રહેતા હિરેન પાઠક જેમના પૂર્વજોના નાની પારડી ગામમાં પોતાના ખેતરમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી. અને પૂર્વજોને સપનામાં આવ્યું હતું કે, હું અહીં વસવાટ કરું છું, અને મને અહીંથી લઈ જઈ અન્ય કોઈ જગ્યાએ મારી સ્થાપના કરો. પરંતુ સ્થાપના ગામમાં નહીં કરતા જેથી હનુમાન દાદાને ખેતરમાંથી લાવી માંગરોળ ગામની સીમમાં સ્થાપના કરવામાં આવી હતી.

વર્ષ 1990માં હિરેન પાઠક અને સ્વર્ગસ્થ જેમીન પટેલ દ્વારા ભૂખી નદીના કિનારા પર ખેતરની જગ્યામાં સેધા પર કાચો રસ્તો બનાવી મંદિરની છત અને દીવાલો બનાવવાનું બાંધકામ શરૂ કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. પરંતુ કુદરતી રીતે મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર તૂટી જતી હતી. જોકે, મંદિરની છત 2-3 વખત બનાવવાની કોશિશ કરવા છતાં બનાવી શકાય ન હતી, જેથી હનુમાન દાદાએ સંકેત આપ્યો હતો કે, મંદિરની છત બનાવવામાં ન આવે અને મને શનિ શિંગણાપુર દાદાની જેમ ખુલ્લામાં મારી સ્થાપના કરવામાં આવે, ત્યારથી જ હનુમાન દાદા મંદિરની છત વગર જ ત્યાં બિરાજમાન થયા હતા. ખેતરમાં લીમડાના ઘટાદાર વૃક્ષ નીચે જ હનુમાનજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. જેથી તેમનું ઘણા વર્ષો પહેલા લીમડાવાળા હનુમાન દાદા નામ રાખવામાં આવ્યું હતું. દાદાની બાજુમાં જ સ્તંભેશ્વર મહાદેવના શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી હતી. હાલ લીમડાના ઘટાદાર વૃક્ષ અને બીલીપત્રના ઝાડ નીચે સ્તંભેશ્વર મહાદેવ અને લીમડાવાળા દાદા બિરાજમાન છે. ઘણા વર્ષોથી મંદિરે આવતા ભક્તો દ્વારા દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો. જેથી સમય જતા દાદાનું નામ લીમડાવાળા દાદા પરથી જલેબીવાળા હનુમાન દાદા નામ પડી ગયું છે, જે હાલ પણ જલેબીવાળા હનુમાન દાદાના નામથી મંદિર ખૂબ પ્રચલિત થયું છે. ભક્તો પોતાની માનતા રાખી મનોકામના પૂર્ણ કરે છે. જેમાં શ્રદ્ધાપૂર્વક 3, 5 કે 11 શનિવારની માનતા રાખી ભક્તોની માનતા પણ પૂર્ણ થઈ હોય છે.

Next Story