સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રામપુરા ગામના સરપંચે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેતા પરિવારજનોએ કોન્ટ્રાક્ટર અને તલાટીના દબાણથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે, ત્યારે હાલ તો, પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રામપુરા ગામના સરપંચની આત્મહત્યાના કારણે સુરત જિલ્લાના બારડોલી તાલુકાની ગ્રામ પંચાયતોમાં ચાલી રહેલી ગોબચારીઓને લઈને ચર્ચાઓ તેજ થઈ છે.
ઘટના એ બની હતી કે, બારડોલીને અડીને આવેલ રામપુરા ગામના સરપંચ વિજય પટેલ ઉપર છેલ્લા કેટલાક સમયથી ગામમાં ચાલતા વિકાસના કામોને લઈ કોન્ટ્રાક્ટર અને તલાટી દ્વારા ભારે દબાણ કરવામાં આવતું હોય જેથી તેઓ તણાવમાં રહેતા હતા. તેવામાં રવિવારની રાત્રે જમી પરવારી પરિવાર સાથે સૂઈ ગયા હતા. દરમ્યાન બીજા દિવસે સોમવારે સવારે 6 વાગ્યે પરિવારના સભ્યો ઉઠતાં વિજય પટેલ ઘરમાં પતરાંની છતના પાઇપ સાથે સાડીના ટુકડાથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
જોકે, સ્થળ પર પહોંચેલી પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં વિજય પટેલના મોબાઇલ ફોનના નોટપેડમાં ટાઈપ કરેલ એક મેસેજ મળી આવ્યો હતો. પટેલ ફળિયામાં સીસી રોડ બાબતે એડ્વાન્સમાં બધુ કામ થયું છે, જેમાં બધી ભવાઇ છે. અને આ કામ મને નહીં ખબર હતી કે, એક એજન્સીએ કર્યું હતું કે, કામ અંદાજિત રકમ કરતાં વધારે થઈ ગયું છે. બીજી એજન્સીના બિલ મુકી પાસ કરાવ્યુ હતું. પણ કામ તો થયું જ હતું તે ચોક્કસ કહું છું. આ ઉપરાંત જો તેઓ ભાજપના સરપંચ હોત તો મામલો રફેદફે થઈ ગયો હોત તેવો પણ ઉલ્લેખ કર્યો છે.