Connect Gujarat
Featured

ઉત્તર પ્રદેશ : ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે મોટો ઝટકો, રાહુલ ગાંધીની નજીકના જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા

ઉત્તર પ્રદેશ : ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે મોટો ઝટકો, રાહુલ ગાંધીની નજીકના જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા
X

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા લાંબા સમયથી આંતરિક તકરારનો સામનો કરી રહેલા કોંગ્રેસ પક્ષને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જિતિન પ્રસાદા બુધવારે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જિતિન પ્રસાદ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

જિતિન પ્રસાદના ભાજપમાં જોડાવાનું પક્ષના મિશન યુપી 2022ની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે. ઘણા લોકો માને છે કે જિતિન પ્રસાદ એક બ્રાહ્મણ નેતા છે અને તેમને પાર્ટીમાં લાવીને ભાજપ બ્રાહ્મણોને સંદેશ આપવા માંગે છે કે પાર્ટી તેમની સાથે છે.

ભાજપના સાંસદ અને પ્રવક્તા અનિલ બલુનીએ બુધવારે એટલે કે આજે સવારે એક ટ્વીટ કર્યું હતું કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં આજે એક મોટા વ્યક્તિત્વ પાર્ટીમાં જોડાશે. ત્યારબાદથી અટકળો શરૂ થઈ હતી. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ પાર્ટી હાઈકમાન્ડથી નારાજ છે. તેથી જ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, સચિન પાયલોટ અને જિતિન પ્રસાદના નામે અટકળો ચાલી રહી હતી. જો કે, આ નેતાઓમાં સૌથી વધુ ચર્ચા પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદની જ હતી.

જિતિન પ્રસાદ ધૌરહારા લોકસભા બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. આ સિવાય યુપી સરકારમાં તેમની પાસે માનવ સંસાધન વિકાસ રાજ્ય પ્રધાનની જવાબદારી હતી. જીતીન પ્રસાદનું નામ રાહુલ ગાંધીની નજીકના યુવા નેતાઓમાં શામેલ છે. આ અગાઉ રાહુલની નજીકના જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા હતા. આ પછી ભાજપે સિંધિયાને રાજ્યસભામાં મોકલ્યા.

Next Story
Share it