/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/sadasd.jpg)
નવીનગરી-લખીગામ ખાતે પાણીની ટાંકીનું પણ લોકાર્પણ કરાયુ અને લખીગામ પ્રાથમિક શાળામાં ધો. ૧ માં પ્રવેશ મેળવનાર બાળકોને પ્રોત્સાહિત કરાયા
અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા લખીગામ ખાતે કોમ્યુનીટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિશાળ કોમ્યુનીટી હોલ બનવાથી ગામના લોકોને તેમના સામાજીક પ્રસંગો સારી રીતે સંપન્ન કરવામાં સરળતા રહેશે. આ ઉપરાંત ગ્રામજનોની જાહેર સભા કે કોઇ જાહેર કાર્યક્રમો માટે પણ આ કોમ્યુનીટી હોલ અત્યંત ઉપયોગી નીવડશે તેવી આશા સેવવામાં આવી છે. આ ઉપરાંત લખીગામના જ ભાગ એવા આદીવાસી વસ્તીવાળી નવીનગરીના લોકોને પીવાના તેમજ વાપરવાના પાણી ને સંગ્રહ કરી શકાય તે માટે ઓવરહેડ વોટર ટાંકી પણ અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા લોકોને ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.આ ઉપરાંત અદાણી ફાઉન્ડેશન દ્વારા લખીગામ પ્રાથમિક શાળામાં ધો. ૧ માં પ્રવેશ મેળવનાર બાળકોને સ્કુલબેગ તેમજ નોટબુક-સ્ટેશનરીનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે ગામના પ્રથમ નાગરીક સતિશભાઇ ગોહીલ, ઉપસરપંસ તેમજ તલાટી-ક્મ-મંત્રી અને ગ્રામ પંચાયતના અન્ય સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશન વતી અદાણી દહેજ પોર્ટના વડા બી.જી.ગાંધી તથા અદાણી ફાઉન્ડેશનની ટીમ ઉપસ્થિત રહી હતી.
અદાણી ફાઉન્ડેશન – દહેજ દ્વારા દહેજ ઔદ્યોગિક વિસ્તારના લખીગામ, દહેજ, લુવારા, સુવા, જાગેશ્વર, અંભેઠા વિગેરે ગામડાઓમાં શિક્ષણ, આરોગ્ય, સાતત્યપુર્ણ આજીવિકા વિકાસ તેમજ ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના નિર્માણના કાર્યો ઉધ્યોગની એક સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવવાની કામગીરીના ભાગરૂપે કરવામાં આવી હતી.