અમદાવાદ : "ખાખી" થઈ બદનામ, રૂ. 24 હજારની લાંચ લેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ACBના હાથે ઝડપાયો...

રાજ્યમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ પર એસીબીનો સંકજાઓ વધી રહ્યા છે. ખાસ કરીને રાજ્યની પોલીસ આ બાબતે સૌથી વધારે બદનામ થઇ રહી છે

New Update

રાજ્યમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ પર એસીબીનો સંકજાઓ વધી રહ્યા છે. ખાસ કરીને રાજ્યની પોલીસ આ બાબતે સૌથી વધારે બદનામ થઇ રહી છે, ત્યારે અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને રૂ. 24 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથે ઝડપી લીધો હતો.

મળતી માહિતી અનુસાર, અસલાલીમાં રહેતી એક વ્યક્તિના દીકરા પર દેશી દારૂનો કેસ થયો હતો. જેમાં પોલીસે ધરપકડ કરતાં આરોપીને માર નહીં મારવા તેમજ કોર્ટમાં જલદી રજૂ કરવા માટે અસલાલી પોલીસ સ્ટેશનની બારેજા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિપુલ દંતાણીએ રૂ. 44 હજારની લાંચની માંગણી કરી હતી. જે તે સમયે કોન્સ્ટેબલને 20 હજાર રૂપિયા આપ્યા હતા. આથી તેણે કહ્યા મુજબ માર નહીં મારી રજૂ કરતાં આરોપી જામીન પર છુટકારો થયો હતો. ત્યારબાદ બાકીના રૂ. 24 હજાર લેવા માટે હેડ કોન્સ્ટેબલ વિપુલ દંતાણીએ માંગણી શરૂ કરી હતી. આ બાબતે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી, ત્યારે આ જાણકારીના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જે મુજબ વિપુલ દંતાણીને રૂ. 24 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો.