કહેવાય છે કે, કુદરત કદી કોઈને સજા આપ્યા વિના રહેતી નથી. કરેલા કર્મોની સજા અહીંયા જ ભોગવાની હોય છે. તેવો જ બનાવ અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં ચોરીના ગુના આચરનાર ચોરને પોલીસ અને કાયદો સજા આપે તે પહેલા જ કુદરતે સજા આપી હતી. બનાવ અમદાવાદનો છે કે, જ્યાં ચોરી કરી મુદ્દામાલ છુપાવી ચોર ફરાર થતો હતો, તે સમયે જ આરોપીઓની રીક્ષાને અકસ્માત નડ્યો હતો. જેમાં એક આરોપીનુ મૃત્યુ નિપજ્યું હતું, જયારે અન્ય 2 ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદ : દરિયાપુરમાં ચોખાના કટ્ટા ચોરી કરતી ગેંગને કુદરતે જ સજા આપી, વાંચો સમગ્ર મામલો...
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચોખા બજારમાંથી ગત સપ્તાહે 13 કટ્ટા ચોખાની ચોરીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. જે ગુનાની તપાસ કરતા દરિયાપુર પોલીસે મોહમ્મદ અમિદ સૈયદ અને અલ્તાફ સૈયદની ધરપકડ કરી ચોરીના ચોખાના કટ્ટા કબજે કર્યા છે. ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીની સાથે મોહમ્મદ બિસ્મિલ્લાહ અકબરની સંડોવણી સામે આવી હતી. પરંતુ ચોરી કર્યાના કલાકો બાદ જ આરોપીની રિક્ષાને એક અકસ્માત નડ્યો, જેમાં બિસ્મિલ્લાનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, આ ગુના માટે વપરાયેલી રીક્ષા પણ ચોરીની છે. ચોખાના કટ્ટાની ચોરીની તપાસ કરતા પોલીસને એક સીસીટીવી મળી આવ્યા છે, જે રીક્ષામાં ચોરી કરવામાં આવી હતી તે રીક્ષા અંગે તપાસ કરતાં હકીકત સામે આવી છે કે, ગુનામાં વપરાયેલી રીક્ષા નારોલ વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી. બાદમાં ચોરીની રિક્ષાનો અકસ્માત થતાં એક આરોપીનું મૃત્યુ નીપજ્યું છે. એટલે કે, એક જ રાતમાં 3 અલગ અલગ પોલીસ મથકમાં 3 ગુના નોંધાયા છે. જે ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.