ભરૂચ : નર્મદા નદી ભયજનક સપાટીથી એક ફુટ ઉપર, નીચાણવાળા વિસ્તારોમાં જળ પ્રવેશ

Update: 2020-08-30 06:42 GMT

ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ સતત બીજા વર્ષે 24 ફુટની ભયજનક સપાટી વટાવી છે. નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં 8 લાખ કયુસેક પાણીના કારણે પુરની સ્થિતિ ઉભી થઇ છે. પુરના પાણી ભરૂચ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી ગયાં છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 10.65 લાખ કયુસેક પાણી આવી રહયું હોવાથી ડેમની સપાટી 131.21 મીટર પર પહોંચી છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના 32 પૈકી 23 દરવાજા 6.8 મીટરની સપાટી સુધી ખોલી નાખવામાં આવ્યાં છે. ડેમના દરવાજા તથા રીવરબેડ પાવરહાઉસ મળી કુલ 8.36 લાખ કયુસેક પાણી નદીમાં ઠલવાય રહયું છે. ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે રવિવારે સવારે નર્મદા નદીએ તેની 24 ફુટની ભયજનક સપાટી વટાવી હતી. નર્મદા નદી હાલ ભયજનક સપાટીથી એક ફુટ ઉપર વહી રહી છે. નર્મદાના પુરના પાણી ફુરજા, દાંડીયાબજાર સહિતના વિસ્તારોમાં પ્રવેશવાની શરૂઆત થઇ ચુકી છે.

નદીમાં આવેલાં પુરે તંત્રની સાથે ખેડુતોની પણ દોડધામ વધારી દીધી છે. નર્મદા નદી કિનારે આવેલાં ગોવાલી, મુલદ અને માંડવા સહિતના ગામોના ખેતરોમાં પાણી ભરાવા ની શરૂઆત થઇ ચુકી છે. પાણીના કારણે ખેતરોમાં તૈયાર થયેલાં પાકને નુકશાન થવાની ભિતિ સેવાઇ રહી છે. ખેડુતોએ ગઇકાલે જ પુરના પાણીનો નિકાલ ઝડપથી થાય તેવી વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી

નર્મદા નદીમાં આવેલાં પુરના કારણે ભરૂચ, ઝઘડીયા અને અંકલેશ્વર તાલુકામાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે. ત્રણેય તાલુકાના નીચાણવાળા ગામોમાંથી અત્યાર સુધીમાં 2 હજારથી વધારે લોકોને સલામત સ્થળોએ ખસેડી લેવામાં આવ્યાં છે. ભરૂચ શહેરના પણ ફુરજા, કતોપોર બજાર સહિતના વિસ્તારો પુરના પાણીમાં જળબંબાકાર બની ગયાં છે. ડેમમાંથી આ જ પ્રકારે પાણી છોડવામાં આવતું રહેશે તો ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદી 30 ફુટની સપાટી પાર કરે તેવી સંભાવના રહેલી છે. ભરૂચમાં બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમ તૈનાત છે. એક તરફ નદીમાં પુર છે તો બીજી તરફ ધોધમાર વરસાદ વરસી રહયો હોવાથી જનજીવન ઠપ થઇ ચુકયું છે.

Tags:    

Similar News