ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે વસેલું શુક્લતીર્થ ગામ ધાર્મિક મહાત્મય સાથે વિખ્યાત છે. અહીના તીર્થક્ષેત્રે બિરાજમાન શુકલેશ્વર મહાદેવજીના દર્શનનું પણ ઘણું મહત્વ છે, ત્યારે દર વર્ષે કારતક સુદ એકાદશીથી પૂનમ સુધીનો 5 દિવસ દરમ્યાન ભરાતો પરંપરાગત ભાતીગળ મેળો આ વર્ષે કોરોના મહામારીના કારણે રદ્દ કરવામાં આવ્યો છે.
ભરૂચ શહેરથી અંદાજિત 15થી 20 કિલોમીટરના અંતરે આવેલ શુક્લતીર્થ ગામ નજીકથી વહેતી માં નર્મદા નદીના સાનિધ્યમાં કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી ભરાતા ભાતીગળ મેળામાં દર વર્ષે માનવ મહેરામણ ઉમટતું હોય છે. સતત 5 દિવસ સુધી ચાલતા આ મેળામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી પવિત્ર નર્મદા નદીના કિનારે જ રોકાણ કરે છે. તો સાથે જ શુકલેશ્વર મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી મેળાનો પણ આનંદ માણતા હોય છે.
જોકે આ તીર્થક્ષેત્રે ભરાતા ભાતીગળ મેળાને મહાલવા માટે દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પરંતુ આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીના કારણે શુક્લતીર્થ ગામે ભરાતા ઐતિહાસિક મેળાનું મનોરંજન લોકો માણી શકશે નહીં. કોરોનાના કાળ વચ્ચે સરકાર દ્વારા હાલ શાળા-કોલેજ સહિતની અનેક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે, ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કોરોના વાયરસ અંગે જનજાગૃતિ લાવવાના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે શુક્લતીર્થ ગ્રામ પંચાયત કચેરી દ્વારા લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે આ વર્ષે ઐતિહાસિક મેળાનું આયોજન કરવું કે, કેમ તે અંગે ગ્રામ પંચાયતના સરપંચ મંજુલા વસાવાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઇ હતી. જેમાં સભ્યો તેમજ સ્થાનિક અગ્રણીઓ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, ત્યારે બહુમતિ સાથે ઠરાવ પસાર થતાં ચર્ચાના અંતે આ વર્ષે પરંપરાગત મેળાનું આયોજન રદ કરવાનો નિર્ણય કરવાનો આવ્યો છે.