પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠાના પાલ-દઢવાવ આદિવાસી ક્રાંતિવીરોની કથા ઉજાગર કરતો ટેબ્લો

નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીના યોગદાનને ઉજાગર કરશે

New Update

ભારત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાત આ વર્ષે 26 મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીના યોગદાનને ઉજાગર કરશે. 'ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો' વિષયક ટેબ્લોમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવ ગામમાં અંગ્રેજોએ જલિયાંવાલા બાગ કરતાં પણ વધુ ભીષણ હત્યાકાંડ સર્જ્યો હતો, જેમાં 1200 જેટલા આદિવાસીઓ શહીદ થયા હતા. અત્યાર સુધી અજાણી રહેલી આ ઐતિહાસિક ઘટનાને 100 વર્ષ થઇ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ટેબ્લો ના માધ્યમથી ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે.

Advertisment



પ્રજાસત્તાક દિવસની પરેડમાં નવી દિલ્હીના રાજપથ પર પ્રસ્તુત થનારા ગુજરાતના 45 ફૂટ લાંબા, 14 ફૂટ પહોળા અને 16 ફૂટ ઊંચા આ ટેબ્લોમાં પાલ-દઢવાવ આદિવાસી ક્રાંતિવીરો પર અંગ્રેજોના અંધાધૂંધ ગોળીબારની ઘટનાને પ્રસ્તુત કરવામાં આવી છે. આદિવાસી નાગરિકો જેને 'કોલીયારીનો ગાંધી' કહે છે તે શ્રી મોતીલાલ તેજાવતનું સાત ફૂટનું આબેહૂબ સ્ટેચ્યુ ટેબ્લોની ગરિમા વધારે છે. ઘોડેસવાર અંગ્રેજ અમલદાર એચ.જી.સટર્નનું સ્ટેચ્યુ પણ શિલ્પકલાનું બેનમૂન ઉદાહરણ છે. આ ઉપરાંત ટેબ્લો પર અન્ય છ સ્ટેચ્યુ છે. ટેબ્લો પર છ લાઈવ આર્ટિસ્ટ પણ હશે, જે સ્ટેચ્યુ સાથે ઓતપ્રોત થઈને પોતાના જીવંત અભિનયથી ઘટનાની ગંભીરતાનો આબેહૂબ ચિતાર રજૂ કરશે. ટેબ્લોની ફરતે પાંચ મ્યુરલ છે. શિલ્પકલા અને ચિત્રકલાના અદ્ભુત સમન્વય સમા આ મ્યુરલ આદિવાસી ક્રાંતિવીરોની સભાના દ્રશ્યોને અસરકારક રીતે પ્રસ્તુત કરે છે. ટેબ્લો પર બન્ને તરફ બે કુવા છે, ઢેખળીયો કૂવો અને દુધિયો કુવો; કે જે શહીદ આદિવાસીઓની લાશોથી ભરાઈ ગયા હતા તેનું નિરુપણ કરે છે. ટેબ્લોના અગ્રભાગમાં હાથમાં મશાલ લઈને ક્રાંતિની મિશાલ આપતા ચાર આદિવાસી ક્રાંતિવીરોના સ્ટેચ્યુ છે. ચાર ફૂટ ઊંચા આ સ્ટેચ્યુ ધીનતા સંગ્રામમાં આદિવાસી ના શૌર્ય, સાહસ અને સમર્પણને ઉજાગર કરે છે.

સાબરકાંઠા જિલ્લાના આ વિસ્તારમાં આદિવાસી નાગરિકો પોતાની મનોકામના પૂર્ણ થાય તેવા ઉદ્દેશથી દેવને માટીના ઘોડા ભક્તિભાવપૂર્વક અર્પણ કરે છે. માટીકલાના વિશિષ્ટ નમૂનારૂપ વિશેષ પ્રકારના આ ઘોડા સાબરકાંઠા જિલ્લાની ઓળખ છે. ટેબ્લોનો બન્ને તરફ આવા બે-બે ઘોડા પ્રસ્તુત કરવામાં આવ્યા છે. ટેબ્લો સાથે સાબરકાંઠા જિલ્લાના જ આદિવાસી કલાકારો નવી દિલ્હીમાં પરંપરાગત ગેર નૃત્ય પ્રસ્તુત કરશે. પરંપરાગત પોષાકોમાં સજ્જ આ 10 જેટલા આદિવાસી કલાકારો પોશીના તાલુકાના છે. પોતાના પૂર્વજોના બલિદાનની આ અભૂતપૂર્વ ઘટના પ્રસ્તુતિમાં તેઓ પણ પોતાનું યોગદાન આપશે. સાબરકાંઠા જિલ્લાના જ વાદ્યકારો અને ગાયકો દ્વારા પરંપરાગત વાજિંત્રોના વાદન સાથે તૈયાર કરવામાં આવેલો મ્યુઝીક ટ્રેક પ્રસ્તુત થશે. આદિવાસી કલાકારો આ સંગીત સાથે ગેર નૃત્યની પ્રસ્તુતિ કરશે. એટલું જ નહીં પાલ-દઢવાવના આદિવાસીઓની શૌર્યગાથા નું વર્ણન કરતાં ગીતો આજે પણ આ વિસ્તારમાં આદિવાસી લગ્ન જેવા શુભ પ્રસંગોએ લોકબોલીમાં ગાય છે અને પોતાના વીર પૂર્વજોનું સ્મરણ કરે છે મોતીલાલ તેજાવતને 'કોલીયારી નો વાણિયો ગાંધી' જેવું સંબોધન કરતું આદિવાસી જ લોકબોલીમાં ગાયેલું ગીત પણ ટેબ્લો સાથે પ્રસ્તુત કરાશે.

#Sabarkantha #Pal-Dadhavav tribal revolutionaries #26th January #BeyondJustNews #Connect Gujarat #Republic Day #Republic Day parade #story
Advertisment
Latest Stories