Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કોરોના મહામારીમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર આરોગ્યકર્મીઓનું અભિવાદન કરાયું

ભાવનગર : કોરોના મહામારીમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર આરોગ્યકર્મીઓનું અભિવાદન કરાયું
X

શ્રાવણ માસની ધાર્મિક ઉજવણી સાથે શ્રી શિવકુંજ આશ્રમ, જાળિયા ખાતે આરોગ્ય કર્મીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કોરોના મહામારીમાં સતત જાગૃત અને કાર્યરત રહેલા આશા કાર્યકરથી માંડીને તબીબી અધિકારી સુધીની વ્યક્તિઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

જાળિયા ખાતેના અભિવાદન કાર્યકમમાં વિશ્વાનંદ માતાજીએ તબીબો દ્વારા વેદનું એટલે કે, આયુર્વેદનું કાર્ય થઈ રહ્યાનું જણાવી વિજ્ઞાન અને ધર્મના સમન્વયને અનિવાર્ય સમજવા કહ્યું. તેઓએ આશ્રમ દ્વારા પર્યાવરણ જાગૃતિમાં સઘન વૃક્ષારોપણ અભિગમનો ઉલ્લેખ કર્યો. અહીંયા અગ્રણી અને ભારત, તિબેટ સહયોગ મંચના પ્રદેશ સચિવ નાનુ ડાખરાએ આશ્રમોનું કામ માત્ર ભોજન નહિ પણ સેવા કાર્ય દ્વારા થતું હોવાનો રાજીપો વ્યક્ત કરી તેમને આદરેલા પીપળા રોપણ અભિયાનનો ઉલ્લેખ કરી પર્યાવરણ અને યજ્ઞના સકારાત્મક પાસાઓનો ખ્યાલ આપ્યો હતો.

આ ઉપરાંત સન્માનિત રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી મનસ્વીની માલવિયાએ પોતાના અભિવાદન પ્રતિભાવમાં સૌને કોરોના રસિકરણમાં સઘન રીતે સામેલ થવા અનુરોધ કર્યો અને સન્માનથી વધુ બળ મળ્યાનો ભાવ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં કોરોના સંદર્ભે સેવારત આરોગ્ય વિભાગના ઋષિ શુક્લ, જાસુ બોરીચા, નિરવ મકવાણા, રામ સાંગડિયા તથા છાયા પણદા અને આંગણવાડી કાર્યકર્તા ઊર્મિલા ચૌહાણ તથા આશા કાર્યકર્તા રહેલા નિતા મામેરિયાનું મહાનુભાવોના હસ્તે સુતર આંટી અને શાલ ઓઢાડી અભિવાદન કરાયું હતું. તો સાથે જ કોરોના કાળમાં અવસાન પામેલાઓના આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી હતી. નંદલાલ જાનીએ આભાર વિધિ કરતા ધન્વંતરિ દેવના પ્રતિનિધિઓને અભિવાદનથી આનંદ થયાનું જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન મુકેશ પંડિત દ્વારા કરવામાં આવ્યું હતું.

Next Story