Connect Gujarat
ગુજરાત

સંસ્કૃતભારતીના સમર્પિત કાર્યકર્તાઓનું સારસા મુકામે પ્રાન્તીયમ અધિવેશન યોજાયું...

સારસા મુકામે કૈવલજ્ઞાનપીઠાધીશ્વર પ.પૂ. આચાર્ય અવિચલદાસજીમહારાજના દિવ્ય સાન્નિધ્યમાં તા. 25-26 ડિસેમ્બર 2021ના રોજ અધિવેશન યોજાયું હતું.

ભાષાઓની જનની સંસ્કૃત ભાષાને ફરીથી લોકભાષા બનાવવા કૃતસંકલ્પિત સંસ્કૃતભારતી ગુર્જરપ્રાંતના 332 સમર્પિત કાર્યકર્તાઓનું કેવલજ્ઞાનપીઠ, સારસા મુકામે કૈવલજ્ઞાનપીઠાધીશ્વર પ.પૂ. આચાર્ય અવિચલદાસજીમહારાજના દિવ્ય સાન્નિધ્યમાં તા. 25-26 ડિસેમ્બર 2021ના રોજ અધિવેશન યોજાયું હતું.

તા. 25 ડિસેમ્બર 2021ના રોજ સવારે 09:30 ક્લાકે સંસ્કૃતમાં વિજ્ઞાન, શાસ્ત્રવૈભવ, સાહિત્યગ્રંથો, દૈનિક જીવનોપયોગી વસ્તુઓ વગેરે વિષયોના પ્રદર્શનને સ.પ.યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના કુલપતિ પ્રો. શિરીષ કુલકર્ણીના શુભહસ્તે ખુલ્લું મુકાયું. માન્ય કુલપતિ સાહેબે સંસ્કૃતભારતીના કાર્યને બિરદાવ્યું હતું. પ્રથમ દિવસે પ્રાતઃ ૧૦:૩૦ વાગે યોજાયેલ આ સમારોહના મુખ્ય ઉદ્ઘાટક તરીકે શ્રી સ્વામિનારાયણ વડતાલધામના પૂજ્ય સંતશ્રી વલ્લભસ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું," સંસ્કૃતભારતીના કાર્યકર્તાઓ વંદનીય છે. કારણ કે, તેઓ સંસ્કૃતને પુનર્જીવિત કરવા માટે સઘન પુરુષાર્થ કરી રહ્યા છે. અધિવેશનનું સંસ્કૃતમય વાતાવરણ અને જીવનમાં સંપૂર્ણ કાર્યક્રમ સંસ્કૃતમાં થતો જોઈ આનંદ વ્યક્ત કર્યો. આજની સમસ્યાઓના ઉકેલો ભારતના ઋષિમુનિઓએ શોધેલા છે તેનું ગંભીર અધ્યયન થવું અનિવાર્ય છે મુખ્ય વક્તા તરીકે સંસ્કૃતભારતીના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ માનનીય નંદકુમારજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ભારતમાં જન્મથી મહર્ષિઓએ જે જ્ઞાન-વિજ્ઞાન અને જીવનના રહસ્યોનો સાક્ષાત્કાર કર્યો છે. તે સંસ્કૃતમાં છે તેથી જ ભારત પૂર્વે તેના જ્ઞાન વૈભવને કારણે વિશ્વગુરુ હતો, આ જ્ઞાન પરંપરા એ આપણી સંસ્કૃતિ છે. જે જીવમાત્રના કલ્યાણ માટે છે, તેથી તેનું સંરક્ષણ કરવા સંસ્કૃત આવશ્યક છે. સંસ્કૃતભારતીના કાર્યકર્તાઓ આચરણ દ્વારા લોકોને સંસ્કૃત બોલતા કરવા ઈચ્છે છે. આપણો સૌનો સંકલ્પ હોવો જોઈએ કે, આપણે આદર્શ બનીએ. સંસ્કૃતભારતીના ન્યાસી અને ગુજરાત રાજ્ય સરકારમના પૂર્વ સચિવ ભાગ્યેશ જહાએ સંસ્કૃતની વિશેષતા દર્શાવી સંસ્કૃત વિકાસની સાથે ભાવિ ભારતના વૈભવની વાત કરી હતી. આ પ્રસંગે સંસ્કૃતભારતીના સમર્પિત કાર્યકર્તા સતિષ ગજ્જર લિખિત "પ્રતિબિંબ" પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

Next Story