ભરૂચ: અંકલેશ્વર ખાતે "કરો યોગ - રહો નિરોગ"ના સૂત્ર સાથે યોગ સંવાદ રીફ્રેશર તાલીમ સત્ર યોજાયું

યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલસિંહ રાજપૂતે “કરો યોગ-રહો નિરોગ”નું સૂત્ર આપી બહેનોને યોગ ટીચર બનવા આહવાન કર્યુ

New Update

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અંતર્ગત અંકલેશ્વર ખાતે શારદાભવન ટાઉન હોલ પિરામણ નાકા પાસે જીનવાલા સ્કુલ મેદાન સ્ટેશન રોડ પાસે યોગ સંવાદ રીફ્રેશર તાલીમ સત્ર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી. આ વેળાએ લઘુઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ, પતંગલિ યોગ સમિતિના દક્ષિણ ગુજરાતના પ્રભારી વિનોદ શર્મા, નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, તુષાર સોની, અતુલ પટેલ તથા બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું દિપપ્રગટાવી તાલીમસત્રને ખુલ્લું મુક્યા બાદ યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલસિંહ રાજપૂતે "કરો યોગ-રહો નિરોગ"નું સૂત્ર આપી બહેનોને યોગ ટીચર બનવા આહવાન કર્યુ હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના કમજોર લોકોને શોધે છે. ફેફસા નબળા હોય તેને માટે ભસ્ત્રિકા પ્રાણાયામ જરૂરી છે. યોગ જે નથી કરતા તે દરેકે કરવો જોઇએ. બહેનો માટે યોગ્ય ટ્રેઇનર બનવું ઉત્તમ છે. પરિવાર નિરોગી તો સમાજ સ્વસ્થ રહેશે. બહેનોમાં ઉર્જા, શક્તિ અને ધીરજ હોય છે. તમે લીડર, વકૃતવ્ય, પ્રકૃત્યવ કલા હોવી જોઈએ. જે યોગ ટીચર બનશે તે લાંબુ જીવન જીવશે.વ્યાયામ, આયામ, પ્રાણાયામ, આહાર અને વિહારમાં પૂરતું ધ્યાન આપવાથી દરેક દર્દનું નિવારણ થાય છે. જે ફિટ છે એ યોગી છે. યોગ કરો તો તમારી ઓળખ ઉભી થશે. ૫૦ લાખ લોકોને યોગ કરાવ્યુ છે. કોઈ પણ કાર્ય કરવા માટે મહેનત અને પુરુષાર્થ જરૂરી છે. તેમણે કહ્યું કે, ૫૦ હજાર યોગ ટ્રેનર અને ૫૦૦ જેટલાં યોગ કોચ છે. યોગ કરવાથી કોરોના પણ કંઈ બગાડી શકતો નથી. એક લાખ યોગ ટ્રેનર બને તેવી તૈયારીઓ છે. એલોપેથીક દવા ખાવાથી ઘણી સાઈડ ઈફેક્ટ થાય છે. ગોલી કો મારો ગોલી કરો યોગ રહો નિરોગી તેમ જણાવ્યું હતું. તેમણે યોગાભ્યાસમંચ પરથી આરોગ્ય જાળવણીનું સુંદર માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

પતંજલિ યોગ સમિતિના દક્ષિણ ગુજરાતના પ્રભારી વિનોદ શર્માએ ઓમના મંત્રથી વાતાવરણને શુધ્ધ કર્યું હતું. તેમણે વ્યસન માણસને તેમજ પરિવારને બરબાદ કરે છે. તેમણે જીવનમાં સારા સ્વાસ્થ્ય માટે યોગ ખુબ જરૂરી હોવાનું કહ્યું હતું. લઘુઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિએ યોગ ભગાવે રોગ તેમ જણાવી સ્વાસ્થ્ય સારૂ નહીં હોય તો માનવી કંઈ નહી કરી શકે તે માટે ઋષિમુનીઓએ આપેલો વારસો યોગ અપનાવવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને વિશ્વ ફ્લક પર લઈ જઈ સૌને નિરોગી રહેવાની પ્રેરણા આપી છે તેમ જણાવ્યું હતું.

આ વેળાએ જાગૃતિ પટેલ અને પ્રતિક્ષા શાહના ગૃપે વિવિધ યોગની કૃતિ રજૂ કરી હતી. મોટી સંખ્યામાં યોગ કોચ - ટ્રેનર ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના સર્વે યોગ કોચ દ્વારા સંપૂર્ણ આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Latest Stories