જામનગરના ચકચારી કેસ કિરીટ જોશી હત્યા કરી ફરાર થઇ ગયેલાં ત્રણ હત્યારાઓને પોલીસે કલકત્તા ખાતેથી ઝડપી પાડયાં છે. આરોપીઓને જામનગરની કોર્ટમાં રજુ કરવામાં આવતાં તેમના 12 દિવસના રીમાન્ડ મંજુર થયાં છે.
જામનગર તથા આસપાસના વિસ્તારમાં સોનાની લગડી સમાન જમીનો શામ,દામ, દંડ અને ભેદની નિતિથી પચાવી અબજો રૂપિયાના આસામી બની ગયેલાં ભુમાફિયા જયેશ પટેલે 3 કરોડ રૂપિયાની સોપારી કીરીટ જોષીની હત્યા માટે આપી હતી. જામનગરના બિલ્ડરની મોકાની જગ્યા પર જયેશ પટેલે કબજો જમાવી લીધો હતો અને બિલ્ડરનો કેસ કીરીટ જોષી લડી રહયાં હતાં. આ બાબતની રીસ રાખી જયેશે તેમની હત્યા કરાવી નાંખી હતી. હત્યા બાદ ફરાર થઇ ગયેલાં આરોપીઓ દિલીપ પુજારા, હાર્દિક પુજારા અને જયંત ગઢવી 28મી એપ્રિલ 2018ની રાત્રે વકીલ કિરીટ જોશીની હત્યા કર્યા બાદ જામનગરથી ધ્રોલ, સામખીયાળી થઈ રાજસ્થાન અને ત્યાંથી લખનૌ થઈ નેપાળની સનોલી બોર્ડરથી નેપાળમાં પ્રવેશ્યા હતા. આરોપીઓએ કાઠમંડુ અને પોખરામાં આશરો લીધો હતો.
આરોપીઓ નેપાળથી ભૂતાન અને ભૂતાનથી પરત ભારત આવ્યાં હતાં. આ ઉપરાંત તેઓ આસામના ગુવાહાટી, નાગાલેન્ડ,વેસ્ટ બંગાળના સીલીગુડી, કલકત્તા, ઓરિસ્સાના ભુવેનેશ્વર અને બિહારના રાયપુર, આંધ્રપ્રદેશના હૈદ્રાબાદ, ચેન્નઈ, રામેશ્વરમ, કન્યાકુમારીમાં આશરો લીધો હતો. આરોપી દિલીપ નટવર પુજારાએ રાજેશ નટવર ઠક્કરના નામે, હાર્દિક નટવર પુજારાએ સચીન નટવર ઠક્કરના નામે અને જયંત ચારણે, જીજ્ઞેસ અમૃત ગઢવીના ખોટા નામે પાસપોર્ટ બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે. પાસપોર્ટ બનાવી થાઈલેન્ડ અને સેનેગલમાં રોકાયા હતા. કોરોનાના કારણે લોકડાઉનનો સંપૂર્ણ સમય આરોપીઓ સેનેગલમાં રોકાયા હોવાનો ખુલાસો થયો છે.સેનેગલથી પરત ભારત આવી કલકત્તામાં છુપાયા હતાં.
ત્રણેય આરોપીઓને છુપાવવા માટે જયેશ આર્થિક મદદ કરી હાર્દિક,દિલીપ અને જયંત છેલ્લા 3 વર્ષથી અલગ અલગ રાજ્યો અને દેશમાં ભાગતા ફરતા હતા. ત્રણેય આરોપીઓને જયેશ પટેલ દર મહિને ત્રણથી પાંચ લાખ રૂપિયાની મદદ કરતો હોવાનો ખુલાસો થયો છે. હત્યા માટે વાહનોની રાજકોટ-અમદાવાદથી ખરીદી કરીત્રણેય આરોપીઓેએ ગુનાને અંજામ આપવા માટે સ્કોડા કાર અમદાવાદથી અને બે મોટર સાયકલની રાજકોટથી ખરીદી કરી હતી. મોટરસાયકલ પર જામનગર સુધી આવી હત્યાને અંજામ આપ્યો હતો.
ત્રણેય આરોપીઓને જામનગર પોલીસે કલકતાથી ઝડપી લીધા બાદ આજે જામનગર કોર્ટ ખાતે 14 દિવસ ના રિમાન્ડ માંગી રજૂ કરવામાં આવ્યા હતા જે કોર્ટ તરફ થી ત્રણેય આરોપીઓના 12 દિવસ ના રિમાન્ડ મંજુર થયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જયેશ પટેલના વધી રહેલા ત્રાસને પગલે રાજય સરકારે જામનગરના એસપી તરીકે દીપન ભદ્રનની નિયુકિત કરી છે. દીપન ભદ્રનના માર્ગદર્શન હેઠળ ચુનંદા અધિકારીઓની ટીમ કલકત્તા પહોંચી હતી અને વેશપલટો કરી ત્રણેય હત્યારાઓને દબોચી લીધાં હતાં. જયેશ પટેલ પણ યુકેથી ઝડપાયો હોવાની ચર્ચા છે. જયેશ પટેલના 10થી વધારે સાગરિતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયાં છે.