Connect Gujarat
સુરત 

સુરત: સફાઈની ફરિયાદ બાદ વર્ષોથી એક જ સ્થળે ચોંટેલા કર્મીઓની બદલી થશે

30 ટકા ઉપરાંત ઘણા પંચીગ કરીને સફાઇ કામદારો જતા રહેતા હોવાથી સફાઇની કામગીરી ઉપર અસર થઇ રહી છે.

સુરત: સફાઈની ફરિયાદ બાદ વર્ષોથી એક જ સ્થળે ચોંટેલા કર્મીઓની બદલી થશે
X

સુરત મહાનગર પાલિકામાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં સફાઇને લગતા પ્રશ્નો ઉદભવતા આરોગ્ય વિભાગ સાથે બેઠક કરવામાં આવી હતી.આ બેઠકમાં શહેરમાં સફાઇને લગતી ફરિયાદો ઉઠતા વર્ષોથી એક જ વોર્ડ ઓફિસમાં ચીપકીને રહેલા એસ.આઇ, એસ.એસ.આઇ તથા સફાઇ કામદારોની બદલી કરવા સુચના આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કેટલાક સફાઇ કામદારો માત્ર પંચીગ કરીને જતા રહેતા હોવાની ગંભીર ફરિયાદો પણ ઉઠી રહી છે ત્યારે બાયોમેટ્રીકથી પે રોલને લીંક કરવા સ્ટેન્ડીંગ ચેરમેને તાકીદ કરી હતી.

શહેરના 5333 લોકેશન પર દૈનિક 15 ટકા સફાઇ કામદારો ગેરહાજર અને 15 ટકા કામદારો વીકલી ઓફ હોવાથી સફાઇના કામમાં 30 ટકાની અસર થતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ 30 ટકા ઉપરાંત ઘણા પંચીગ કરીને સફાઇ કામદારો જતા રહેતા હોવાથી સફાઇની કામગીરી ઉપર અસર થઇ રહી છે. જેના કારણે પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં સફાઈનો મુદ્દો ઉઠતા વર્ષોથી ચીપકીને બેસેલા કર્મચારીઓ પર તવાઈ આવી છે. મહત્વની વાત એ છે કે, છેલ્લા બે દાયકામાં 2006 અને 2020માં હદ વિસ્તરણ બાદ પણ સફાઇ કામદારોનું મહેકમ વધારાયું નથી. વસ્તી સાથે વિસ્તારનો વ્યાપ વધતા કામદારોની ભરતી કરવા કોઇ નક્કર આયોજન કરાયું નથી. જેના કારણે નવા વિસ્તારોમાં સફાઇના પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જે મુદ્દે સ્થાનિકો દ્વારા વખતો વખત ફરિયાદ કરવામાં આવી હતી.

Next Story