Connect Gujarat
સુરત 

સુરત : નવી સિવિલમાં સારવાર લઈ રહેલા દર્દીનો ફૂટપાથ પરથી મૃતદેહ મળ્યો, હોસ્પિટલની ગંભીર બેદરકારી : પરિવાર

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ગાયબ થયેલ દર્દી રાંદેર વિસ્તારમાં ફૂટપાથ પરથી મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

X

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ગાયબ થયેલ દર્દી રાંદેર વિસ્તારમાં ફૂટપાથ પરથી મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સાથે જ હોસ્પિટલની પણ ગંભીર લાપરવાહી હોવાનો મૃતકના પરિવારે આક્ષેપ કર્યો હતો.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના નાસિકના વતની 64 વર્ષીય અપ્પા આહિરે ગતરોજ પોતાના જ ઘરમાં ટેબલ પરથી પડી જતા તેઓને ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેઓને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની ઈમરજન્સી ટ્રોમા સેન્ટરમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન અચાનક બપોરે 1 વાગ્યાના અરસામાં દર્દી અપ્પા આહિરે ટ્રોમા સેન્ટરમાંથી ગાયબ થઈ જતા પરિજનો ચોકી ઉઠ્યા હતા. સિવિલ હોસ્પિટલ સહિત કેમ્પસમાં દર્દીની શોધખોળ શરૂ કરી હતી.. જોકે, મોડી રાત સુધી પરિવારજનોને દર્દી મળી આવ્યો ન હતો, ત્યારે આજે વહેલી સવારે પરિવારે ફરી દર્દીની શોધખોળ કરતા નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં દર્દીનો મૃતદેહ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં રાંદેર પોલીસ મથકની હદમાં આવેલ ફૂટપાથ પરથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને અજાણ્યા ઈસમ તરીકે પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પુત્ર દિપક આહિરેએ જણાવ્યું હતું કે, મારા પિતા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોભગમાં સારવાર હેઠળ હતા, ત્યારે હું પૈસાની વ્યવસ્થા કરવા માટે બહાર ગયો હતો. જોકે, પરત આવ્યો ત્યારે મેં મારી ફોઈને પૂછ્યું કે, પિતાજી ક્યાં ગયા, ત્યારે ફોઈએ જણાવ્યું કે, હું કેસ પેપર કઢાવવા માટે ગઈ હતી. પછી તેઓ ગાયબ થઈ ગયા હતા. દર્દી અચાનક જ સિવિલ હોસ્પિટલમાંથી ગાયબ થઈ જતા પરિવાર તો પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે. પરંતુ ક્યાંક સિવિલ હોસ્પિટલની પણ લાપરવાહી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.

Next Story