Connect Gujarat
વડોદરા 

વડોદરા : 108ની જીવન રક્ષક સેવાઓનું સરવૈયું, આરોગ્ય કટોકટીમાં 74578 લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા...

વરસાદ, ભારે ટાઢ જેવા તમામ વિષમ સંજોગોમાં, રાત દિવસ જોયા વગર સતત જીવનરક્ષક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી

વડોદરા : 108ની જીવન રક્ષક સેવાઓનું સરવૈયું, આરોગ્ય કટોકટીમાં 74578 લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા...
X

સંસ્કૃતમાં એક ઉકિત છે, અહર્નિશ સેવા મહે.પ્રધાનમંત્રી... નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલી રાજ્યવ્યાપી સેવા ૧૦૮ એ કારમા કોરોના, ભયંકર વરસાદ, ભારે ટાઢ જેવા તમામ વિષમ સંજોગોમાં, રાત દિવસ જોયા વગર સતત જીવનરક્ષક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવીને આ સૂત્ર સાકાર કર્યું છે. ૧૦૮ની વડોદરા સેવાએ આ જીવનરક્ષક સેવાના વારસાને ખૂબ સારી રીતે આગળ ધપાવ્યો છે જેની પ્રતીતિ માત્ર નવેમ્બર ૨૦૨૧ના સેવા આંકડા જોઈએ તો પણ સુપેરે થાય છે. નવેમ્બર મહિનામાં આરોગ્ય કટોકટીના એસ.ઓ.એસ.ને તત્કાળ પ્રતિભાવ આપીને ૫૭૦૮ દર્દીઓ ને હોસ્પિટલમાં પહોંચાડ્યા છે.

૧૦૮,વડોદરાના પ્રોગ્રામ મેનેજર નિલેશ ભરપોડાએ જણાવ્યું કે, તેમાં દવાખાને પહોંચાડવામાં આવેલી ૧૪૦૮ સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે. શિયાળાના પ્રભાવથી દમ જેવા રોગોની અસર વધે છે. મહિના દરમિયાન શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા ૫૦૬ દર્દીઓને હૃદયરોગથી મુશ્કેલીમાં મુકાયેલા ૨૨૪ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડી સારવાર મળવામાં મદદ કરી છે. માર્ગ અકસ્માતમાં ઇજા પામેલ વેહિક્યુલર ટ્રોમાના ૮૪૦ દર્દીઓ નો હોસ્પિટલની સેવા સુધી પહોંચનારામાં સમાવેશ થાય છે. સરેરાશ ૭૮ હજારથી વધુ દર્દીઓને એક ૧૦૮ વાહનથી સેવા મળે છે. અત્યારે ૧૦૮ના વડોદરા એકમ પાસે કુલ ૪૦ દર્દીવાહિનીઓ છે, જે જીવનરક્ષક જરૂરી સાધનો થી સુસજ્જ છે. વડોદરા શહેર જિલ્લાની વસતીને ધ્યાનમાં લઈએ તો એક એમ્બ્યુલન્સ સરેરાશ ૭૮૧૨૪ લોકો વચ્ચે સેવા આપે છે. પ્રત્યેક વાહન ૧૦૭ ચો.કિમી વિસ્તારને આવરી લઈને સેવાઓ આપે છે. દૈનિક એક લાખની વસતિએ આરોગ્ય કટોકટીની ૬ જેટલી ઘટનાઓ નોંધાય છે, અને સેવાનું પ્રત્યેક વાહન દૈનિક ૫ જેટલા તાકીદના આરોગ્ય સેવાની જરૂરવાળા કેસો હેન્ડલ કરે છે. ૧૦૮ સેવા રાજ્યની આરોગ્ય સેવાઓનું અનિવાર્ય અંગ છે. તે ચોવીસ કલાક અને ૩૬૫ દિવસ અવિરત કામ કરે છે. તેની કામગીરીથી રાજ્યની આરોગ્ય સેવાઓમાં લોકોનો વિશ્વાસ દ્રઢ થયો છે. આ નેક કામમાં અગ્રેસર યોગદાન આપીને વડોદરા ૧૦૮ સેવા સંતોષ અનુભવે છે.

Next Story