Connect Gujarat
બિઝનેસ

હવે આવા ખેડૂતો સામે ઈન્કમ ટેક્સ કરશે તપાસ, મોદી સરકારે આપ્યા આદેશ

જે લોકો પોતાની આવકને કૃષિમાંથી થયેલી આવક બતાવીને ટેક્સમાં છૂટ મેળવે છે તેઓની માટે એક મજબૂત માળખું બનાવવામાં આવી રહ્યું છે

હવે આવા ખેડૂતો સામે ઈન્કમ ટેક્સ કરશે તપાસ, મોદી સરકારે આપ્યા આદેશ
X

કેન્દ્ર સરકારે સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીને જણાવ્યું કે, જે લોકો પોતાની આવકને કૃષિમાંથી થયેલી આવક બતાવીને ટેક્સમાં છૂટ મેળવે છે તેઓની માટે એક મજબૂત માળખું બનાવવામાં આવી રહ્યું છે

જેથી કરીને તેઓ આવકવેરા વિભાગને છેતરી ના શકે. કેન્દ્ર સરકારે 'કૃષિમાંથી થનારી આવક' પર કર મુક્તિ (ટેક્સમાં છૂટ) આપવા માટે હાલની પદ્ધતિમાં અનેક છટકબારી દર્શાવી છે. એક ખાનગી ન્યૂઝ અખબારના રિપોર્ટ અનુસાર, સંસદીય સમિતિના પ્રશ્નોના જવાબમાં નાણા મંત્રાલયે કહ્યું કે, શ્રીમંત ખેડૂતોએ હવે કર અધિકારીઓ દ્વારા કડક તપાસનો સામનો કરવો પડશે કે જેઓ પોતાની આવકના સ્ત્રોતને કૃષિમાંથી કમાયેલી આવક બતાવીને વર્તમાન આવકવેરા કાયદા અંતર્ગત ટેક્સમાં છૂટ મેળવે છે. આવાં લોકોને હવે સંપૂર્ણ આવકવેરા ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે કે જેમની કૃષિમાંથી થતી વાર્ષિક આવક રૂ.10 લાખથી વધુ છે.

પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ સંસદને જણાવ્યું હતું કે, લગભગ 22.5% કેસોમાં અધિકારીઓએ દસ્તાવેજોનું યોગ્ય મૂલ્યાંકન અને ચકાસણી વિના ખેતીમાંથી મળેલી આવકના સંદર્ભમાં કરમુક્તિના દાવા મંજૂર કરી દેવાયાં છે, કે જેનાથી કરચોરી કરવાનો મોકો મળી રહે. પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ 5 એપ્રિલના રોજ સંસદમાં પોતાનો 49મો રિપોર્ટ 'કૃષિ આવક સંબંધિત આકારણી' રજૂ કર્યો હતો. જે ભારતના મહાલેખા પરીક્ષક અને નિયંત્રકના એક અહેવાલ પર આધારિત છે. આ અહેવાલમાં, છત્તીસગઢમાં ખેતીની જમીનના વેચાણને કૃષિ આવક તરીકે ગણાવી રૂ.1.09 કરોડની ટેક્સમાં છૂટ મેળવવાના મામાલને ઉદાહરણ તરીકે સામેલ કરવામાં આવેલ છે. વર્તમાન તંત્રમાં ખામીઓ તરફ ઇશારો કરતા સંસદીય પેનલે ઉપરોક્ત ઉદાહરણ આપીને કહ્યું કે, અધિકારીઓએ ન તો 'દસ્તાવેજો' ની તપાસ કરી છે કે જેઓ 'મૂલ્યાંકન રેકોર્ડ' માં ટેક્સમાં છૂટને સમર્થન કરે છે, ન તો તેની 'મૂલ્યાંકન આદેશમાં ચર્ચા' કરવામાં આવી છે.

Next Story