“શ્રીજીને વિદાય” : ભરૂચ અને અંકલેશ્વરમાં વિના વિધ્ને વિધ્નહર્તાનું વિસર્જન

ભરૂચ અને અંકલેશ્વરમાં ગુરૂવારના રોજ વિના વિધ્ને ગણેશ વિસર્જન સંપન્ન થયું હતું. નર્મદા નદીમાં પુર આવ્યું હોવાથી સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રતિમાઓને વિસર્જીત કરવામાં આવી હતી. પર્યાવરણના જતનના સંકલ્પ સાથે શ્રધ્ધાળુઓએ કૃત્રિમ કુંડોમાં પણ પ્રતિમાઓના વિસર્જનનો અભિગમ દાખવ્યો હતો.
૧૦ દિવસથી ચાલી રહેલા ગણેશ મહોત્સવનું ગુરૂવારે રંગેચંગે સમાપન થયું હતું. ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનું ઝડેશ્વર સ્થિત સાઈ મંદિર નજીકના જળકુંડમાં જ્યારે માટી અને ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓનું નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે નર્મદા નદીના ઓવારે વિસર્જન કરવામાં આવ્યું હતું.
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભરુચ તથા અંકલેશ્વરમાં શ્રીજીની સવારીઓ નીકળી હતી. પુષ્પોની વર્ષા અને ડીજેના તાલ સાથે અબાલ વૃધ્ધ સૌ કોઇ મન મુકીને ઝૂમ્યાં હતાં. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દુંદાળાદેવની નગરચર્યા દરમિયાન વાતાવરણ ભકિત સભર બની ગયું હતું. જોકે આ વર્ષે નર્મદા નદીમાં પુર આવ્યું હોવાથી ગણેશ વિસર્જન દરમિયાન ઓવારાઓ ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. અંકલેશ્વરમાં સ્થાપિત ગણેશ પ્રતિમાઓનું રામકુંડ, ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડા તથા કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાયું હતું. પ્લાસટર ઓફ પેરિસથી પર્યાવરણને થતું નુકશાન રોકવા માટે શ્રધ્ધાળુઓએ કૃત્રિમ કુંડમાં પ્રતિમાઓ વિસર્જીત કરવાનો અભિગમ અપનાવ્યો હતો. ભરૂચની ગણેશજીની વિશાળકાય પ્રતિમાઓનું ભાડભુત ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચ અને અંકલેશ્વરમાં વિધ્નહર્તાની વિના વિધ્ને વિદાય થતાં લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.