ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાંય સમયથી ચાલતી અટકળોનો આજે અંત આવી ગયો છે. કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ગાંધીનગર કમલમ ખાતે વિધિવત રીતે સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં એન્ટ્રી મારી છે. આ પહેલા હાર્દિકે પોતાના ઘરે દુર્ગા પૂજા કરી હતી અને બાદમાં SGVP ગુરુકુળ ખાતે ગૌ પૂજા કરી હતી. હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે અંતે હાર્દિક પટેલે આજે ભાજપમાં કેસરિયા કર્યા છે. એ પહેલા હાર્દિકે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઇ રહ્યો છું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ અને 'જનસેવાના કાર્યમાં નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યો છું.
હું મારા નિવાસ સ્થાન પર માઁ દુર્ગા પાઠ અને પૂજા કરી રહ્યો છું. હાર્દિકને આવકારવા પ્રદેશ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટલે ભાજપની ટોપી પહેરાવી હાર્દિક આવકાર આપ્યો હતો. હાર્દિક કમલમ પહોંચતા પહેલા એક રોડ શો પણ કર્યો હતો. તો મંચ પર નૌતમ સ્વામી પણ હાજર રહ્યા હતા.