ગુજરાત : હવે વાહન બદલાશે પણ નંબર નહિ, વાંચો રાજય સરકારની મહત્વની જાહેરાત વિશે
ગુજરાતમાં હવે વાહન વેચ્યા બાદ પણ તેનો નંબર માલિક પોતાની પાસે રાખી શકશે.

ગુજરાતમાં હવે વાહન વેચ્યા બાદ પણ તેનો નંબર માલિક પોતાની પાસે રાખી શકશે. રાજયના કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીએ આ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું છે કે, સરકારના આ નિર્ણયથી હજારો વાહનચાલકોને રાહત થશે.
મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ પોતાના વાહન માટે પસંદગીનો નંબર ઇચ્છતો હોય છે. અત્યાર સુધી નવા વાહનની સાથે નવો નંબર લેવો પડતો હતો પણ હવે નવા વાહનની સાથે જુનો નંબર પણ રાખી શકાશે. વાહન વેચવામાં આવે કે પછી સક્રેપ કરવામાં આવે આ નિયમ લાગુ પડશે. ગોલ્ડન નંબર, સિલ્વર નંબર પ્રમાણે ચાર્જ લેવાશે. અરજદારોની રજૂઆત ધ્યાને લઇ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પ્રશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ વ્હીકલ નંબરની પોલીસી અમલમાં મુકવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ પોલીસીમાં વાહન માલીક બે કિસ્સામાં તેના વાહન નંબર રીટેઇન કરી શકશે.
વાહન માલિક પોતે જુનો વાહન નંબર પોતાના દ્વારા ખરીદેલા વાહનો ઉપર જ રીટેન કરી શકશે. જુના વાહન ઉપર વાહન નંબર રીટેન થઇ શકશે નહીં. તેમજ જે વાહનનો નંબર રીટેન કરવાનો છે તે તથા જે વાહન પર નંબર રીટેન કરવાનો છે તે બન્ને વાહનો માલિકી એક જ વ્યક્તિ હોવી જરૂરી છે. વધુમાં જે વાહનની નંબર રીટેન કરવાનો છે તે વાહનની માલિકી વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જોઇશે અને બન્ને વાહનના પ્રકાર સમાન હોવા જરૂરી છે.