પંચમહાલ : જિલ્લાના ખેડૂત સાથે જીઓ ટાવર નાખવાના બહાને છેતરપીંડી કરનારી ઠગ ટોળકીને દિલ્હીથી ઝડપી પાડતી સાયબર ક્રાઈમ પોલીસ
જીઓ કંપનીના મોબાઈલ ટાવર ખેતરમાં ઉભો કરવાની લાલચ આપી ખેડૂતો સાથે ચીટિંગ કરતી દિલ્હીની ગેંગના પાંચ આરોપીઓને ગોધરા સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઈ ભેજાબાજોની મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે

જીઓ કંપનીના મોબાઈલ ટાવર ખેતરમાં ઉભો કરવાની લાલચ આપી ખેડૂતો સાથે ચીટિંગ કરતી દિલ્હીની ગેંગના પાંચ આરોપીઓને ગોધરા સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઈ ભેજાબાજોની મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. ભેજાબાઝો ખેડૂતોના મોબાઈલ ફોન વડે સંપર્ક કરી પ્રોસેસ ફી નામે અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં નાણાં ટ્રાન્સફર કરાવતા હતા અને જીઓ કંપની, ટેલિફોન ઓથોરિટી તેમજ અમેરિકન બેંકના ખોટા ડોક્યુમેન્ટ બનાવી ખેડૂતોને છેતરતા હતા. પંચમહાલ જિલ્લાના બે ખેડૂતો સાથે છેતરપિંડી કરી ૬.૪૫ લાખ ઓનલાઈન અલગ અલગ બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
છેતરપીંડીનો ભોગ બનેલા ખેડૂતોએ ગોધરા સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. જે.એન. પરમાર અને ટીમે બેન્ક એકાઉન્ટ અને અન્ય ટેક્નિકલ સર્વેલન્સની મદદથી દિલ્હી જઈ ચીટીંગ કરનાર દિલ્હી ગેંગના કુલ- ૫ આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.પોલીસે આરોપીઓ પાસેથી ૪.૪૫ લાખ રૂપિયા રોકડા રીકવર કરી પાંચ મોબાઈલ કબ્જે લીધા છે. પંચમહાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચે જિલ્લામાં મોબાઈલ ટાવર નાંખવા મુદ્દે થયેલી છેતરપિંડીના નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે.પોલીસે આરોપીઓ દ્વારા અન્ય ગુન્હા આચરવામાં આવ્યા છે કે કેમ જેની તપાસ માટે રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેઓને પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું છે.છેતરપિંડી કરતી ગેંગના અન્ય ચાર આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.