Connect Gujarat
ગુજરાત

કાશ્મીર "આઝાદ" : દેશ સહિત ગુજરાતભરમાં જશ્નનો માહોલ

કાશ્મીર આઝાદ : દેશ સહિત ગુજરાતભરમાં જશ્નનો માહોલ
X

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી ધારા 370 અને કલમ 35 - એ હટાવી લેતાં દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજયનો દરજજો આપતી કલમો રદ થતાં હવે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજયસભામાં સરકારના નિર્ણયની જાણકારી આપી હતી. કાશ્મીરની સળગતી સમસ્યાનો હલ લાવવા માટે સરકારના નિર્ણયને અસરકારક પગલાં તરીકે જોવામાં આવી રહયો છે. હાલ દેશભરમાં ઉજવણી શરૂ થઇ ચુકી છે અને તેમાંથી ગુજરાત પણ બાકી રહયું નથી.

જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35- એ નાબુદ થતાં દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં સ્થાનિક રહીશોએ ફટાકડા ફોડી તથા આતશબાજી કરી સરકારના ઐતિહાસિક નિર્ણયને વધાવી લીધો હતો. વિશ્વ હીંદુ પરીષદ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે મહીલા સશકિતકરણના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અભુતપુર્વ નિર્ણય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરી હતી.

સુરેન્દ્રનગર વિશ્વ હીંદુ પરીષદના આગેવાનો અને કાર્યકરોએ મુખ્ય બજારમાં ફટાકડા ફોડી મિઠાઇ વહેંચી હતી.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા મથકે વિશ્વ હીંદુ પરિષદે ઉજવણી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને અભિનંદન પાઠવ્યાં હતાં.

ભાવનગરમાં સંતો અને મહંતોએ તોપના પ્રતિકમાંથી દારૂગોળો છોડી ઉજવણી કરી હતી.

અમદાવાદની વાત કરવામાં આવે તો મણીનગર વિસ્તારમાં ભાજપના નેતાઓએ મોદી હે તો મુમકીન હેના નારા લગાવ્યાં હતાં.

સુરતમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. અઠવા લાઇન્સ વિસ્તારની એમટીબી આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ કેપ કાપીને ઉજવણી કરી હતી.

રાજકોટમાં કરણી સેનાના કાર્યકરોએ જિલ્લા પંચાયત ચોકમાં ફટાકડા ફોડયાં હતાં.

જેતપુરમાં યુવા ભાજપ તરફથી સરકારને અભિનંદન આપવામાં આવ્યાં હતાં.

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ભાજપના કાર્યકરોએ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે એકમેકની મિઠાઇ ખવડાવી હતી.

જામનગર શહેરમાં પણ ભાજપ દ્વારા કેન્દ્ર સરકારના કલમ 370 નાબુદ કરવાના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો.

જુનાગઢમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. વિહીપના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ભાજપે સરકારના નિર્ણયની પ્રસંશા કરી હતી.

વડોદરામાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યાં હતાં.

દિવસ દરમિયાન સમગ્ર રાજયમાં ઉજવણીનો દોર ચાલુ રહયો હતો.

અખિલ ભારતીય હીંદુ પરિષદના ડૉ. પ્રવિણ તોગડીયાએ પણ સરકારના નિર્ણય અંગે પ્રતિક્રીયા આપી હતી.

Next Story
Share it