ભરૂચ : આમોદના માતર ગામે 35 વર્ષીય યુવાન તળાવમાં ડૂબ્યો, શોધખોળ શરૂ કરાય...
એક્ષપ્રેસ રોડની કામગીરી માટે કોન્ટ્રાકટર દ્વારા ખોદાણ કરેલ તળાવ કે, જે ગ્રામજનોના કહ્યા મુજબ ૩૫થી ૪૦ ફુટ ઊંડાણ ધરાવે છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામ પાસેથી પસાર થતા એક્ષપ્રેસ રોડની કામગીરી માટે કોન્ટ્રાકટર દ્વારા ખોદાણ કરેલ તળાવ કે, જે ગ્રામજનોના કહ્યા મુજબ ૩૫થી ૪૦ ફુટ ઊંડાણ ધરાવે છે. જેમા ગતરોજ બેન્કમાં કામ અર્થે ગયેલા યુવાનનો પગ લપસી જતાં તળાવમાં ડૂબી ગયો હતો. સમગ્ર મામલે ગામના આગેવાનોએ તંત્રને જાણ કરતા આમોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી પહોંચી હતી.
મળતી માહિતી અનુસાર, આમોદ તાલુકાના માતર ગામના ટેકરા ફળિયામાં રહેતા 35 વર્ષીય રણજિત શાંતિલાલ વસાવા અને રમેશ લલ્લુ વસાવા સિગ્મા કોલેજમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ખાતે દીકરીઓની શિષ્યવૃતિ જમાં થતાં તેઓ બન્ને ઘરમાં રૂપિયાની જરૂર હોવાથી પૈસા ઉપાડવા ગયા હતા. જોકે, ત્યાંથી તળાવના કિનારે પગદંડી રસ્તા ઉપર પરત આવતા હતા, ત્યારે રણજીત વસાવાનો પગ લપસી જતાં તેઓ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેથી ગામના સ્થાનિક તરવૈયા તેઓને બચાવવા માટે શોધખોળ આદરી હતી. પરંતુ તેઓને સફળતા મળી નહોતી. ભારે વરસાદને કારણે તળાવમાં પાણીનો ફોર્સ પણ વધુ હોવાથી માટીની ભેખડો પણ પાણી સાથે ધસી પડતી હોવાના કારણે શોધખોળમાં સફળતા મળી નહોતી, ત્યારે ગામના જાગૃત નાગરિક રણજીતસિંહ રાજ તથા સરપંચ ઇરફાન ઉઘરાતદારે તંત્રને જાણ કરતા એસ.ડી.આર.એફ. વાલીયાની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. મૃતક યુવાન તળાવમાં ડૂબી જતાં તેને શોધવા માટે ટીમ આવી પહોંચતા સમગ્ર ગામ જોવા માટે ઉમટી પડ્યું હતું, જ્યારે સમગ્ર મામલે ગામના તલાટીએ સ્થળ પંચનામું કર્યું હતું.