કોટન કિંગ ગણાતા ભરૂચના પાક પર જાણે રસાયણ હુમલો થયો છે. હજારો હેક્ટર જમીનમાં ઊભા પાક પર અદ્રશ્ય કેમિકલની અસર થતા પાકની વૃધ્ધિ અટકી પડી છે જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લો આમેય પ્રાણઘાતક પર્યાવરણીય પ્રદૂષણનો સામનો કરી રહ્યો છે. ઓદ્યૌગિકરણના કારણે જળ જમીન અને વાયુ પ્રદૂષણ જાણે બેકાબૂ બની રહ્યું છે..હવે ઓદ્યૌગિકરણની અસર ખેતીના ક્ષેત્ર પર વર્તાય રહી છે. ભરૂચ જિલ્લાને કોટન કિંગ માનવામાં આવે છે કારણે અહી મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કપાસના પાક પર રસાયણ હુમલો થઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે. ભરૂચના વાગરા,આમોદ,જંબુસર અને ભરૂચ તાલુકાના કેટલાક ગામોમાં વાવેલ કપાસના પાકની જાણે વૃધ્ધિ જ અટકી પડી છે. કપાસના છોડ જે ગતિએ ઉછરવા જોઈએ એ ઉછરતા નથી અને પાંદડા પણ વળી જાય છે જેની સીધી અસર ઉત્પાદન પર થઈ રહી છે.
આ અંગે ખેડૂત કલ્પેશ પટેલે જણાવ્યુ હતું કે નજીકમાં આવેલ ઉધ્યોગોમાંથી નીકળતા ઝેરી ગેસની અસરના કારણે કપાસના પાકને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે. અન્ય જિલ્લાઓમાં આ પ્રકારની કોઈ સમસ્યા નથી ભરૂચ ભરૂચના ચાર તાલુકાનાં ગામોમાં કપાસના પાક પર અસર થઈ રહી છે અને તેના કારણે ખેડૂતોને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. કપાસ સહિત કઠોળ અને શાકભાજીના પાકને પણ આ પ્રકારે જ નુકશાન પહોંચ્યું છે ત્યારે તંત્ર આ પ્રશ્નનું નિરાકરણ લાવે એવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
ભરૂચ જીલ્લામાં ઘણા વર્ષોથી કપાસની ખેતી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે પ્રથમ વાર આ પ્રકારની અસર જોવા મળી છે. ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેંદ્રસિંહ કરમરીયાએ આ અંગે જણાવ્યુ હતું કે કપાસના પાક પર જે અસર થઈ છે એ અકલ્પનીય છે.અદ્રશ્ય રસાયણ હુમલાના કારણે ખેડૂતો પાયમાલીમાં ધકેલાય એવી પરિસ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં સરકારનો કૃષિ વિભાગ આ બાબતે કોઈ સ્પષ્ટા નહીં કરે તો સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આંદોલનનો માર્ગ અખત્યાર કરશે.
કપાસના પાક પર થઈ રહેલ અદ્રશ્ય હુમલો છે શું એ જાણવા કનેક્ટ ગુજરાત દ્વારા કૃષિ તજજ્ઞ નિર્મલસિંહ યાદવનો સંપર્ક કરવામાં આવ્યો હતો. નિર્મલસિંહ યાદવે જણાવ્યુ હતું કે ભરૂચ જીલ્લામાં માટે કપાસએ સફેદ સોનું છે ત્યારે કપાસના પાક પર થઈ રહેલ ગંભીર અસર ખૂબ જ ચિંતાજંક બાબત છે. ઉદ્યોગો માંથી નીકળતા ઝેરી ગેસના કારણે આ અસર ઉદભવી હોવાનું તેઓએ જણાવ્યુ હતું. આ અસરના કારણે કપાસના પાકની જે ગતિએ વૃધ્ધિ થવી જોઈએ એ થતી નથી. હાલ કપાસના પાકનો ગ્રોથનો તબક્કો છે અને આ જ તબક્કામાં છોડની વૃધ્ધિ ન થાય એ ખુબજ ગંભીર છે. આ અસરના કારણે કપાસનો પાક સુકાઈ પણ નથી જતો કે આગળ પણ નથી વધતો. તેઓએ આ બાબતે સરકાર રિસર્ચ કરાવી યોગ્ય પગલાં ભારે એવી માંગ કરી છે.
કાનમ પ્રદેશ એવા ભરૂચની ઓળખ સમાન કપાસનો પાક રસાયણ હુમલાના કારણે આગળ વધી નથી રહયો જેના કારણે ધરતીનો તાત ચિંતામાં મુકાયો છે ત્યારે સરકારના કૃષિ વિભાગ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે એ ખૂબ જ જરૂરી છે.