Connect Gujarat
ગુજરાત

ગુજરાત : વિધાનસભામાં ભાજપનું મિશન 182, શું AAP અને કોંગ્રેસ બનશે "સ્પીડબ્રેકર

ગુજરાત : વિધાનસભામાં ભાજપનું મિશન 182, શું AAP અને કોંગ્રેસ બનશે સ્પીડબ્રેકર
X

ગુજરાતને ભાજપનો ગઢ અને પ્રયોગશાળા ગણવામાં આવે છે. રાજયમાં છેલ્લા એક સપ્તાહથી જે પ્રકારે ગતિવિધિઓ થઇ રહી છે તેના કારણે રાજકારણમાં તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી છે. રાજયમાં આવતા વર્ષે યોજાનારી ચુંટણી માટે ભાજપ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે તો બીજી તરફ કોંગ્રેસ હજી આંતરિક જુથવાદમાંથી બહાર આવી શકી નથી.

ગુજરાતના રાજકારણની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે સૌથી વધારે શાસન વર્તમાન વડાપ્રધાન મોદીએ કર્યું છે. 2014માં તેઓ દિલ્હી જતાં રહયાં છે ત્યારથી ગુજરાત ભાજપમાં શુન્યાવકાશ જોવા મળી રહયો છે. રાજયમાં ભલે ભાજપનું શાસન હોય પણ મોટા ભાગના નિર્ણયો દીલ્હીથી જ લેવામાં આવી રહયાં છે. વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી છેલ્લા ચાર વર્ષથી ગુજરાતમાં શાસનની ધુરા સંભાળી રહયાં છે. ભાજપના મોવડી મંડળે ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની નિયુકતિ કરવામાં આવી છે. સી.આર.પાટીલે પ્રદેશ પ્રમુખ બનતાની સાથે હુંકાર કર્યો છે કે, તેઓ વિધાનસભાની ચુંટણીમાં 182માંથી 182 બેઠકો જીતીને બતાવશે નહિતર રાજીનામુ આપી દેશે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની 8 બેઠકોની પેટાચુંટણી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં ભાજપે સાતત્યપુર્ણ દેખાવ કર્યો છે.

રાજયમાં 2017ની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને 80 બેઠકો મળી હતી જયારે ભાજપ 100 બેઠક પણ મેળવી શકયું ન હતું. તેનું સૌથી મોટુ કારણ હતું સરકાર વિરોધી લહેર અને પાટીદાર અનામત આંદોલન... જો કે વિધાનસભાની ચુંટણી બાદ 15 જેટલા કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં ભળી ગયાં છે. ભાજપના મજબુત આયોજન સામે કોંગ્રેસ હજી કાચી પડી રહી છે. કોંગ્રેસ હજી નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની વરણીમાં ગોથા ખાઇ રહી છે. આ બધાની વચ્ચે ગુજરાત ભાજપના નવા પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કારોબારીની બેઠક યોજાવા જઇ રહી છે. ભાજપની કારોબારીની બેઠક પહેલા એક વાત તમને જણાવી દઇએ કે સી.આર.પાટીલને પ્રમુખ બનાવ્યાં બાદ સરકાર સાથે તેમને શીતયુધ્ધ ચાલી રહયું હોય તેમ લાગી રહયું છે. કોરોનાની મહામારી વચ્ચે રેમડેસિવિરના ઇન્જેકશનના વિતરણ બાબતે સરકાર અને સંગઠનમાં ઉભા ફાટા પડી ગયાં હતાં.

હવે જોઇશું સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં થયેલાં ઘટનાક્રમની.. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં ભાજપે કોંગ્રેસનો કલીન સ્વીપ કરી નાંખ્યો છે. પણ આમ આદમી પાર્ટી અને એઆઇએમઆઇએમના ઉમેદવારો વિજેતા બનતા કોંગ્રેસનો સફાયો થઇ ચુકયો છે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસને સમ ખાવા પુરતી એક બેઠક પણ મળી નથી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મળેલા વિજય બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે ગુજરાત પર ધ્યાન આપી રહયાં છે. હાલમાં જ જાણીતા એન્કર ઇશુદાન ગઢવી આપમાં જોડાયાં છે. ગુજરાતના લોકોની વાત કરવામાં આવે તો તેઓ કોંગ્રેસ કરતાં આપને પ્રાધાન્ય આપી રહયાં છે. આ રાજકીય ઘટનાક્રમ વચ્ચે ખોડલધામમાં મળેલી પાટીદાર સમાજના આગેવાનોની બેઠક પણ મહત્વની બની છે. ખોડલધામના અગ્રણી નરેશ પટેલે પણ આપના વખાણ કરી આગામી મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઇએ તેવું નિવેદન આપ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી ગુજરાતમાં 'આપ'ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આવાં બધાં કારણોને લઈને પક્ષનું હાઇકમાન્ડ પણ સક્રિય થઈ ગયું હતું. દીલ્હીથી ખુદ ગૃહમંત્રી અમિત શાહ સહિતના સંગઠનના નેતાઓ અમદાવાદ ખાતે દોડી આવ્યાં હતાં. ભાજપમાં બેઠકોના દોર પર દોર ચાલી રહયો છે. અને આ બેઠકોનો મુખ્ય આશય સરકાર અને સંગઠન વચ્ચે પડેલી ખાઇને પુરવાનો હોય શકે છે. અમિત શાહે પાટીદાર સમાજની બેઠક, આપની તૈયારીઓ સહિતની અનેક બાબતોની ઝીણવટભરી માહિતી મેળવી છે. આ બધાની વચ્ચે રાજય સરકારના બે મંત્રીઓ પુરૂષોત્તમ સોલંકી અને જવાહર ચાવડા આમને સામને આવી ગયાં છે. તાઉતે વાવાઝોડા બાદ માછીમારો આર્થિક રીતે પાયમાલ થઇ ગયાં છે ત્યારે સરકારની સહાય બાબતે પુરૂષોત્તમ સોલંકીએ પોતાના પક્ષની જ સરકાર સામે જ નિશાન તાકયું છે.

એક તરફ રાજય સરકાર પર કોરોનાની બીજી લહેર સમયે વ્યવસ્થિત કામગીરી નહિ કરી હોવાના આક્ષેપો થઇ રહયાં છે. આવામાં મંત્રી મંડળના વિસ્તરણ સહિતના અનેક ફેરફારોની ચર્ચા ચાલી રહી છે. રાજયમાં ગરમાયેલા માહોલ વચ્ચે ભાજપની કારોબારી બેઠક મળવા જઇ રહી છે. પણ એક વાત તો ચોકકસ છે કે, ભાજપના મિશન 182માં આ વખતે કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટી વધારે ખતરો બની છે. ખાસ કરીને જો પાટીદાર સમાજ ભાજપનો ભગવો છોડી આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડશે તો સમીકરણો બદલાય શકે છે. જો આવું થશે તો કોંગ્રેસ ગુજરાતમાંથી પોતાનું અસ્તિત્વ ગુમાવી દેશે. અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો રાજયસભાના સાંસદ અહમદ પટેલના નિધન બાદ ગુજરાત કોંગ્રેસ મરણપથારીએ પડી છે. રાજયમાં વિધાનસભાની ચુંટણી માટે હજી 17 મહિના જેટલો સમય બાકી છે એટલે કોંગ્રેસ માટે પણ હજી સ્થિતિ બદલવાનો સમય છે જયારે ભાજપ અને આપ સંગઠનને વધુને વધુ મજબુત બનાવવાની કામગીરીમાં જોતરાઇ ગયાં છે.

Next Story