Connect Gujarat
ગુજરાત

નવસારી : કોન્ટ્રાક્ટરો દ્વારા રાનકુવા પ્રા. શાળાના નિર્માણકાર્યમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાતા વિવાદ !

આજનું બાળક એ આવતીકાલના આપણા દેશનું ભવિષ્ય છે, અને ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓના ભણતર પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે

નવસારી : કોન્ટ્રાક્ટરો દ્વારા રાનકુવા પ્રા. શાળાના નિર્માણકાર્યમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાતા વિવાદ !
X

આજનું બાળક એ આવતીકાલના આપણા દેશનું ભવિષ્ય છે, અને ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓના ભણતર પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, જ્યાં સારી શાળાઓ પણ બનાવી આપવામાં આવે છે, ત્યારે નવસારી જીલ્લાના ચીખલી તાલુકામાં આવેલી રાનકુવા પ્રાથમિક શાળાના બાંધકામ માટે કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાતા વિવાદ સર્જાયો છે.

આ છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલી રાનકુવા ગુજરાતી પ્રાથમિક શાળા. જેનું નિર્માણ વર્ષ 1980માં કરવામાં આવ્યું હતું, અને સમય જતાં આ શાળાની ઈમારત જૂની અને ઓરડાઓ જર્જરીત થતા એને તોડી પાડી નવી શાળા મંજૂર કરવામાં આવી હતી. દોઢ વર્ષ પહેલાં નવસારી જિલ્લા પંચાયત દ્વારા શાળા નવી બનાવી આપવાની મંજૂરી આપવામાં આવી અને 95 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જ્યાં કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ સમય જતાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો માલ-સામાન વપરાતા વિવાદ સર્જાયો છે. ગામના લોકો દ્વારા કોન્ટ્રાક્ટરને સારી રેતી વાપરવાનું કહેતા કોન્ટ્રાક્ટર દ્વારા ઉદ્ધતાયભર્યું વર્તન કરાતા હાલ વિવાદ સર્જાયો છે.

રાનકુવા ગુજરાતી શાળામાં 250થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને શાળાની અછત હોવાના કારણે તાત્કાલિક ધોરણે નવસારી જિલ્લા પંચાયત દ્વારા આ શાળા મંજૂર કરવામાં આવી હતી. જે કોન્ટ્રાક્ટરને શાળા બાંધવાનું કામ સોંપવામાં આવ્યું છે, એ કામમાં વેઠ ઉતારતો હોવાની ફરિયાદ અનેકવાર ઉઠી હતી. જેને લઈને ગામના લોકોએ નવનિર્માણ થયેલી શાળા પાસે આવી અને ગુણવત્તા ચકાસતા વિવાદ થયો હતો, ત્યારબાદ સમગ્ર કામને બંધ કરવામાં આવ્યું હતું. સાથે જ મામલાને લઈને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી. જે બાદ તપાસ કરવા માટે વહીવટી તંત્રના અધિકારીઓએ શાળા ખાતે કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.

રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના ભણતરની પાછળ આધુનિક શાળા બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાનો સામાન વાપરી શાળાનું નિર્માણ કરવાની અનેક ફરિયાદો રાજ્યમાં ઉઠી છે, ત્યારે નવસારી જિલ્લામાં પણ શાળાનું નિર્માણ નહીં થવા દેવાની ફરિયાદ ઉઠતા હાલ કામ બંધ કરવાની ફરજ પડી છે. તો બીજી તરફ, આવા કોન્ટ્રાક્ટરો ઉપર કોઈ યોગ્ય કરવાથી થાય તેવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Next Story