/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/IMG_0912.jpg)
ચોથા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના દિગસ ગામે મંત્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્તે શુભારંભ
ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ ઘર આંગણે મળે, ત્વરીત મળે અને યોગ્ય સમયમર્યાદામાં મળે તેવા શુભહેતુસર સરકાર પ્રજાને આંગણેના સુત્રને સાર્થક કરવા, આજરોજ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના દિગસ ગામે રાજ્યના રમતગમત યુવા - સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ અને સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે ચોથા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે તેમની સાથે સાંસદ મનસુખભાઇ વસાવા, હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન પટેલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જેરામભાઇ રાઠોડ, પ્રાંત અધિકારી ભગોરા, ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના માધ્યમથી ૬ જેટલા ગામના ગરીબ પરિવારોના લાભાર્થીઓને સ્થળ ઉપર જ દાખલા-પ્રમાણપત્રો અને આદેશો આપવામાં આવ્યા હતા.
હાંસોટ તાલુકાના દિગસ, ઉત્તરાજ, શેરા, મોઠીયા, માંગરોલ, કલમના ગ્રામજનો માટે દિગસ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા ચોથા તબક્કાના સેવા સેતુના શુભારંભ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે, જણાવ્યું હતું કે સેવા સેતુ કાર્યક્રમના અગાઉ ત્રણ સફળ તબક્કામાં રાજ્યમાં એક કરોડથી વધુ નાગરિકોને લાભ મળ્યો છે.
મંત્રી ઇશ્વરસિંહ પટેલે કહ્યું કે પારદર્શિતા વહીવટ અને નિર્ણાયક સરકારનો ગ્રામ્ય વિસ્તારના નાગરિકો-વૃધ્ધો જે જિલ્લા મથકે, તાલુકા મથકે જઇ ના શકે તેવા તમામ માટે ઘરઆંગણે સરકાર આવી છે અને ઘર બેઠાં તમારા પ્રશ્નો અને સમસ્યા હલ થાય છે. સેવા સેતુના કાર્યક્રમથી નાગરિકોની રજૂઆતોનો ઘરઆંગણે અને ઝડપી ઉકેલ મળે છે. તેમણે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપી તેનો મહત્તમ લાભ લેવાની ઉપસ્થિત સૌને અનુરોધ ર્ક્યો હતો.
સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, સેવા સેતુના કાર્યક્રમ થકી ગ્રામ્ય પ્રજાના ઘણાં પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થયો છે અને જેને કારણે ગામડામાં વસતા પ્રજાજનો મજૂર વર્ગ ગરીબોને તાલુકાકક્ષાએ જવા માટે મુક્તિ મળશે અને એમનો સમય બચશે.
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પ્રજાજનોને જરૂરી એવા આવકના દાખલા, રેશનકાર્ડને લગતી બાબતો, આધારકાર્ડ, મા-વાત્સલ્યકાર્ડ, મા અમૃત્તમકાર્ડની અરજીઓનો સ્વીકાર, સીનીયર સીટીઝન પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય જેવી અરજીઓનો સમાવેશ કરવામાં આવે છે.
આ પ્રસંગે આગેવાન - પદાધિકારીઓ, અધિકારીગણ, વિવિધ ગામોના સરપંચઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી ઇશ્વરસિંહ પટેલ તથા સાંસદ મનસુખભાઇ વસાવાએ મેડીકલ ચેકઅપ સેન્ટરની મુલાકાત લઇ મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું અને પ્રાથમિક શાળા દિગસના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું.