વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો આતંક વધી રહયો છે ત્યારે અમે તમને બતાવીશું કે આખલાની તાકાત શું હોય છે....
વડોદરા શહેરમાં દિન પ્રતિદિન રખડતા પશુઓનો ત્રાસ વધી રહયો છે. આ પશુઓ અત્યાર સુધીમાં અનેક લોકોને યમ સદન અથવા તો હોસ્પિટલના બિછાને પહોંચાડી ચુકયાં છે. રખડતા ઢોરોને પકડવા માટે ઢોર પાર્ટીઓ સતત કાર્યરત છે તેમ છતાં મોટા ભાગના રસ્તાઓ પર રખડતા પશુઓ તમને મળી જશે. રખડતા ઢોરો વાહનચાલકો અને રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની ગયાં છે.
વડોદરામાં બે દિવસ પહેલા બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યાં છે. ઢોર પાર્ટીના માણસો એક આખલાને પકડવા માટે તેની પાછળ દોડે છે પણ આખલો દોડતો દોડતો ગોયાગેટ સોસાયટીમાં ઘુસી જાય છે. ઢોર પાર્ટીના 10થી વધારે માણસો આખલાને ઘેરીને તેને દોરડાથી બાંધવાનો પ્રયાસ કરે છે પણ આખલો એવી દોટ મુકે છે કે લોખંડનો દરવાજો પણ તુટી જાય છે..
વડોદરા શહેરના લોકોને ક્યારે રસ્તા ઉપર રખડતી ગાયોથી મુક્તિ મળશે તે કહેવું મુશ્કેલ છે. હા એ વાત ચોક્કસ છે કે, શહેરના લોકોને વાહન અકસ્માતના ડર કરતાં માર્ગો ઉપર રખડતી ગાયોના હુમલાનો ડર વધારે લાગી રહ્યો છે.