અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નવજીવન હોટલ પાસેથી તસ્કરો આખેઆખું એટીએમ ઉઠાવી ગયાં હતાં. આ ગુનામાં હરિયાણાની મેવાતી ગેંગની સંડોવણી બહાર આવી છે. ગેંગને મદદગારી કરનારા એક આરોપીને લોકલ ક્રાઇમ બ્રાંચે કેસરોલ નજીક આવેલાં રાજસ્થાની ઢાબા પરથી દબોચી લીધો છે..
અંકલેશ્વર : હરિયાણાની મેવાતી ગેંગે કરી હતી ATMની ચોરી, ગેંગનો મદદગાર કેસરોલ નજીકથી ઝબ્બેબે દિવસ પહેલાં અંકલેશ્વરની નવજીવન હોટલ પાસે આવેલાં એટીએમ મશીનની ચોરીની ઘટના બની હતી. આસપાસના સીસીટીવી ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં જેમાં તસ્કરો આખેઆખું એટીએમ ઉઠાવીને લઇ જતાં જોવા મળ્યાં હતાં. એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ તપાસમાં જોતરાઇ હતી જેમાં આ ગુનામાં સંડોવાયેલો એક ઇસમ ભરૂચથી દહેજ જવાના રોડ પર કેસરોલ પાસેના રાજસ્થાની ઢાબા પર છે જેથી પોલીસે છાપો મારી સલીમ હનીફ મેવાતીને ઝડપી પાડયો હતો. સલીમની પુછપરછમાં આખી ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો તેની વિગતો બહાર આવી છે. હરિયાણાના મેવાતી ગેંગે પ્રથમ ચોરી કરવા માટે જોલવા ગામેથી બોલેરો પીકઅપવાનની ચોરી કરી હતી. 14મી તારીખે તેઓ સુરતના ઓલપાડ નજીક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી ન હતી. ત્યાંથી તેઓ ફરી રાજસ્થાની ઢાબા ખાતે આવી બીજા દિવસે ભરૂચ અને અંકલેશ્વરમાં એટીએમની રેકી કરી હતી. 15મીની રાત્રિએ તેઓ નવજીવન હોટલ પાસે આવેલાં એટીએમને નિશાન બનાવ્યું હતું અને ગેસકટરથી આખું એટીએમ કાપીને લઇ ગયાં હતાં.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયેલો આરોપી સલીમ મેવાતી છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતથી કેસરોલ પાસે આવેલાં રાજસ્થાની ઢાબા પાસે મિકેનીકનું કામ કરતો હતો. તે ભરૂચ અને અંકલેશ્વરની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ છે. થોડા સમય પહેલાં તેની મુલાકાત આરોપીઓ સાથે થઇ હતી અને બાદમાં આરોપીઓ તેમના વતનમાં જતાં રહયાં હતાં. એકાદ સપ્તાહ પહેલાં આરોપીઓ ફરી કેસરોલ ખાતે આવ્યાં હતાં અને ત્યાં એટીએમ તોડવાનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. આરોપીઓએ માસ્ટર કીની મદદથી જોલવા ગામેથી બોલેરો પીકઅપવાનની ચોરી કરી હતી...