ભરૂચ શહેર તથા જિલ્લામાં ભકિતસભર માહોલમાં ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. આવતીકાલે રવિવારના રોજ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. કોરોનાની મહામારીને ધ્યાનમાં લેતાં ભરૂચમાં બે સ્થળોએ ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યાં છે.
ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે ઉત્સવોની ઉજવણી ફીકકી પડી હતી પણ ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે ઉત્સવોની જાહેરમાં ઉજવણી કરવા માટે મંજુરી આપી છે. ગણેશ ચર્તુથીના દિવસે ભરૂચ શહેર તથા જિલ્લામાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી.
હવે આવતીકાલે રવિવારના રોજ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. કોરોનાની મહામારીને ધ્યાને રાખી સરકારે ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે 15 લોકોને એકત્ર થવાની મંજુરી આપી છે. નદી કે અન્ય જળાશયોના બદલે પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો ગણેશ મહોત્સવ પહેલાં ગણેશ આયોજકો અને અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી જેમાં શહેરમાં પાંચ સ્થળોએ કૃત્રિમ જળકુંડ બનાવવાનું નકકી કરાયું પણ તંત્રએ બે જ સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવ્યાં છે. જેમાં એક કુંડ જે.બી.મોદી પાર્ક નજીક અને બીજો બોરભાઠા બેટ પાસે બનાવાયો છે.
ભરૂચ શહેરમાં 3,000 કરતાં વધારે શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે ત્યારે બે કુંડમાં વિસર્જનની કાર્યવાહી લાંબી ચાલે તેવી સંભાવના છે. બીજી તરફ વહીવટીતંત્રએ ગણેશ મંડળોને વિસર્જન માટે સહકાર આપવા અપીલ કરી છે.